પૅરિસમાં મેડલ જીત્યા પછી રેસ્ટોરાંમાં ઑલિમ્પિક્સના ડ્રેસમાં ફરી કામે લાગી ગઈ ચીની ટીનેજર

બીજિંગ: ચીનની ટીનેજ ઑલિમ્પિક મેડલ વિજેતા ઍથ્લીટ હજી 10 દિવસ પહેલાં પૅરિસમાં સિલ્વર મેડલ જીતી અને શુક્રવારે તે રેસ્ટોરાંમાં મન્ચાઉ સૂપનું બાઉલ હાથમાં લઈને કસ્ટમરને પહોંચાડતી જોવા મળી હતી.
વાત એવી છે કે ચીનની 18 વર્ષની ઝોઉ યાકિન પૅરિસ ઑલિમ્પિક્સમાં જિમ્નૅસ્ટિક્સની બૅલેન્સ બીમ નામની હરીફાઈમાં બીજા નંબરે આવતાં રજતચંદ્રક જીતી હતી.
આ પણ વાંચો: Paris Olympics 2024: અમન સેહરાવતે આ રીતે ઘટાડ્યું 10 કલાકમાં 4.6 કિલો વજન
એ મેડલ મેળવ્યા બાદ તે ગણતરીના દિવસોમાં ફ્રાન્સથી ચીન પાછી આવી હતી અને બીજા જ દિવસથી હુનાન પ્રાન્તના હેન્ગયાન્ગ શહેરમાં ફરૉન્ગ રોડ પર પોતાના પરિવારની રેસ્ટોરાંમાં કામે લાગી ગઈ હતી. આ રેસ્ટોરાં યાકિનના મમ્મી-પપ્પાની છે અને તે એમાં દરરોજ મદદ કરવા જાય છે.
નવાઈની વાત એ છે કે હાલમાં તે ઑલિમ્પિક ડ્રેસ પહેરીને જ હોટેલમાં કામ કરે છે અને ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
યાકિન ખૂબ જ વિનમ્ર સ્વભાવની છે. તે દરેક કસ્ટમર સાથે વિવેકથી વાત કરે છે અને તેમને જે વાનગી જોઈએ એ થોડી જ વારમાં પૂરી પાડે છે અથવા પોતાના સ્ટાફ પાસેથી અપાવડાવે છે.
તેણે ઑલિમ્પિક્સનો મેડલ જીત્યા બાદ તરત જ ફરી ફૅમિલી રેસ્ટોરાંમાં કામ કરવાનું શરૂ કરીને અનેકનાં દિલ જીતી લીધા છે.