ઑલિમ્પિક્સની ટેનિસમાં ઑલ્ડેસ્ટ જૉકોવિચ અને યંગેસ્ટ અલ્કારાઝ વચ્ચે ફાઇનલ મુકાબલો
પૅરિસ: સવાસો વર્ષ જૂની ઑલિમ્પિક ગેમ્સની મેન્સ ટેનિસની ફાઇનલમાં બે અનોખા હરીફો વચ્ચે રવિવાર, ચોથી ઑગસ્ટે (ભારતીય સમય મુજબ સાંજે 5.30 પછી) ટક્કર જોવા મળશે.
24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયન ખેલાડી નોવાક જૉકોવિચ ફાઇનલમાં પહોંચી ગયો છે જેમાં તેનો મુકાબલો સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે થશે.
આ ફાઇનલ અનોખી હોવાનું કારણ એ છે કે 37 વર્ષનો જૉકોવિચ ફાઇનલમાં રમનારો ઑલ્ડેસ્ટ પ્લેયર બનશે, જ્યારે 21 વર્ષીય અલ્કારાઝ યંગેસ્ટ ફાઇનલિસ્ટ તરીકે રમશે. તેઓ ગોલ્ડ મેડલ માટે રમશે અને ફાઇનલમાં પરાજિત થનાર ખેલાડી સિલ્વર મેડલ વિજેતા કહેવાશે.
આ પણ વાંચો: Paris Olympics 2024: ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી
વર્લ્ડ નંબર-ટૂ જૉકોવિચે ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં ઇટલીના લૉરેન્ઝો મુસેટ્ટીને 6-4, 6-2થી હરાવ્યો હતો, જ્યારે વર્લ્ડ નંબર-થ્રી અલ્કારાઝનો સેમિમાં કૅનેડાના ફેલિક્સ ઑગર-ઍલિઆસેમ સામે 6-1, 6-1થી વિજય થયો હતો.
પૅરિસ ઑલિમ્પિક્સની આ ફાઇનલ છેલ્લી બે વિમ્બલ્ડન ફાઇનલની રી-મૅચ કહેવાશે. ત્રણ અઠવાડિયા પહેલાની વિમ્બલ્ડન ફાઇનલમાં અલ્કારાઝે જૉકોવિચને હરાવ્યો હતો. 2023ની વિમ્બલ્ડનની નિર્ણાયક મૅચમાં પણ જૉકોવિચ સામે અલ્કારાઝનો વિજય થયો હતો.
પૅરિસમાં જ્યાં ફાઇનલ રમાવાની છે એ રૉલાં ગૅરો સ્ટેડિયમમાં દોઢ મહિના પહેલાંની ફ્રેન્ચ ઓપનમાં અલ્કારાઝ ચૅમ્પિયન બન્યો હતો.
જૉકોવિચ 2008ની બીજિંગ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો ત્યારે અલ્કારાઝ માંડ પાંચ વર્ષનો હતો.
જૉકોવિચ-અલ્કારાઝ વચ્ચે મોટી ટૂર્નામેન્ટોમાં કુલ છ ફાઈનલ રમાઈ છે જેમાંથી બન્નેએ ત્રણ-ત્રણ જીતી છે.