પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

રોહિત શર્માની જેમ નોવાક જૉકોવિચે પણ 37મા વર્ષે મહેચ્છા પૂરી કરી!

પૅરિસ: ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટ કૅપ્ટન રોહિત શર્મા અને સર્બિયાના સુપરસ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ વચ્ચે રવિવારે એક અનોખી સામ્યતા બની ગઈ.

જૂન મહિનામાં રોહિતના સુકાનમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. 37 વર્ષના રોહિતની કરીઅરમાં એ સૌથી મોટી જીત ખૂટતી હતી અને એ મેળવીને તેણે ટી-20 ઇન્ટરનૅશનલને ગુડબાય કરી દીધી હતી. જૉકોવિચ પણ 37 વર્ષનો છે અને તેણે ટેનિસમાં રવિવારે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી.

રવિવારે પૅરિસમાં નોવાક જૉકોવિચ પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ સાથે તેણે ગોલ્ડન સ્લૅમની સિદ્ધિ પણ મેળવી હતી. જો કોઈ ટેનિસ ખેલાડી સિંગલ્સના ચારેય ગ્રૅન્ડ સ્લૅમ (ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન) જીતવા ઉપરાંત ઑલિમ્પિક્સમાં પણ ચૅમ્પિયન બને (ગોલ્ડ મેડલ મેળવે) તો એ ખેલાડીએ ગોલ્ડન સ્લૅમ પૂરું કર્યું કહેવાય. પુરુષ અને મહિલા, બન્ને વર્ગની વાત કરીએ તો જૉકોવિચ ગોલ્ડન સ્લૅમ હાંસલ કરનાર પાંચમો પ્લેયર છે.

આ પણ વાંચો: વિમ્બલ્ડનમાં 10 વર્ષે ફરી બે ફાઇનલિસ્ટ સતત બીજી વાર આમનેસામને

તેની પહેલાં સ્ટેફી ગ્રાફ (1988), આન્દ્રે ઍગાસી (1999), રાફેલ નડાલ (2010) અને સેરેના વિલિયમ્સે (2012)આ અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી. ટૂંકમાં, રોહિત પછી જૉકોવિચ પણ જિંદગીના 37મા વર્ષે મહાન સિદ્ધિ મેળવીને જ રહ્યો.

ઉલ્લેખનીય છે કે 29મી જૂને બાર્બેડોઝના બ્રિજટાઉનમાં ભારતે સાઉથ આફ્રિકાને વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવ્યું ત્યાર બાદ રોહિતે બાર્બેડોઝની પિચની જરાક માટી ચાખીને હતી. પછીથી તેણે કહ્યું હતું કે ‘હું બાર્બેડોઝથી રવાના થતાં પહેલાં ત્યાંની ભૂમિને સન્માન આપવા માગતો હતો. એ સ્થાનની યાદ મારા દિલોદિમાગમાં કાયમ રહે એ હેતુથી મેં ત્યાંની માટી જરાક ખાઈ લીધી હતી.’

રોહિતે ખરેખર તો જૉકોવિચની નકલ કરી હતી. જૉકોવિચ જ્યારે પણ ઇંગ્લૅન્ડના વિમ્બલ્ડનમાં ચૅમ્પિયન બન્યો ત્યારે તેણે ત્યાંના ટેનિસ કોર્ટનું ઘાસ તોડીને ખાધું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button