ભારતની વર્લ્ડ ચૅમ્પિયન લવલીના પરાજિત, બૉક્સિંગમાં ભારતનો ‘ધી એન્ડ’

પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં એકંદરે ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો પર્ફોર્મન્સ ધાર્યા કરતાં નબળો રહ્યો છે. આર્ચરી પછી હવે બૉક્સિંગમાં પણ ભારતીયોએ દેશને નિરાશ કર્યા છે.
મહિલાઓના 75 કિલો વર્ગમાં 2021ની ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ-મેડલિસ્ટ લવલીના બોર્ગોહેઇન ચીનની લી કિઆન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં ભારે સંઘર્ષ બાદ 1-4થી હારી ગઈ હતી. લવલીના આ કૅટેગરીમાં વર્લ્ડ ચૅમ્પિયન છે, પણ ટોક્યો ઑલિમ્પિક્સની 34 વર્ષની ઉંમરની સિલ્વર-મેડલિસ્ટ કિઆને સામે તે પરાજિત થઈ હતી. જોકે લવલીનાએ કિઆનને જોરદાર લડત આપી હતી.
26 વર્ષીય લવલીના હારી જતાં મુક્કાબાજીમાં પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીયોના પડકારનો અંત આવી ગયો છે, કારણકે શનિવારે રાત્રે પુરુષોના 71 કિલો વર્ગમાં નિશાંત દેવ હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો.
આ પણ વાંચો : નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો ભારતીયોને મળશે ફ્રી વિઝા, આ બિઝનેસમેનની ઓફર…
લવલીના અને ચીનની કિઆન, બન્નેએ મુકાબલા દરમ્યાન વારંવાર એકમેકને પકડી રાખી હતી અને જકડીને પોતાના પર હાવિ થતાં રોકી હતી. આવું વારંવાર બનતું રહ્યું હોવાથી રેફરીએ તેમને છોડાવવી પડી હતી અને બન્નેને ચેતવણી પણ આપવી પડી હતી.
2023ની એશિયન ગેમ્સમાં આસામની લવલીનાએ ચીની બૉક્સર કિઆનને ફાઇનલમાં જોરદાર લડત આપી હતી, પણ લવલીનાનો 0-5થી પરાજય થયો હતો. જોકે થોડા મહિના બાદ વર્લ્ડ ચૅમ્પિયનશિપની સેમિ ફાઇનલમાં લવલીનાએ કિઆનને હરાવી દીધી હતી.
જોકે જૂનમાં લવલીનાએ ઑલિમ્પિક્સ પહેલાંની એક ઇવેન્ટમાં કિઆન સામે પરાજય જોવો પડ્યો હતો.