પાકિસ્તાનથી ક્રિકેટ પ્રસારણના 23 નિષ્ણાત ભારતીયો સલામત રીતે પાછા આવી ગયા

નવી દિલ્હીઃ પાકિસ્તાન સુપર લીગ (PSL) નામની ટી-20 ક્રિકેટ સ્પર્ધામાં કામ કરી રહેલાં ભારતના 23 નિષ્ણાતો (EXPERTS)ને પાકિસ્તાન સરકારે ભારત પાછા મોકલી દીધા છે અને તેઓ રવિવારે લાહોરથી વાઘા બોર્ડર મારફત થઈને સલામત રીતે દેશમાં પરત આવી ગયા છે.
પહલગામ (PAHALGAM)માં મંગળવારે હિન્દુ નાગરિકોને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવેલા કાયરતાભર્યા આતંકી હુમલામાં 28 જણના મૃત્યુ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે ભારતે દેશમાંથી પાકિસ્તાનના રાજદ્વારી હોદ્દા પરના અધિકારીઓ સહિત અનેક લોકોને તગેડી મૂક્યા એના પ્રત્યાઘાતમાં પાકિસ્તાને ભારત (INDIA)ના આ 23 નિષ્ણાતોને સ્વદેશ પાછા જવાનો આદેશ આપ્યો હતો અને તેમને પાકિસ્તાન (PAKISTAN) સરકારે સહી સલામત રીતે ભારત પાછા મોકલવા પડ્યા છે.
આપણ વાંચો: પાકિસ્તાન સ્મોકિંગ લીગ: સુપરસ્ટાર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં સિગારેટ પીતો પકડાઈ ગયો
પીએસએલના આયોજકો દ્વારા (પ્રસારણની જવાબદારી સંભાળતી કંપનીએ) ભારતના એન્જિનિયરો, કૅમેરામેન તેમ જ અન્ય ટેક્નિશ્યનો સહિત કુલ 23 જણને સ્ટાફમાં સામેલ કર્યા હતા, પરંતુ હવે તેમને પાછા મોકલીને કેટલાક વિદેશી અને અમુક સ્થાનિક કર્મચારીઓની મદદ લેવામાં આવી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે પીએસએલ માટેના પ્રસારણના પ્રૉડક્શનના કાર્ય માટે પાકિસ્તાને 23 ભારતીયોની મદદ લીધી હતી, પણ હવે તેમને પાછા મોકલી દીધા છે.