કૅપ્ટન વિનાની પાકિસ્તાનની ટીમની જાહેરાત: જાણી લો, કોને કઈ ટીમમાં નથી સમાવાયા…
કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ઑસ્ટ્રેલિયામાં આગામી 4-18 નવેમ્બર દરમ્યાન રમાનારી વન-ડે અને ટી-20 સિરીઝ માટેની પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ બાદ ઝિમ્બાબ્વેમાં મર્યાદિત ઓવર્સની જે બે શ્રેણી રમાશે એ માટેની ટીમ પણ ઘોષિત કરાઈ છે. નવાઈની વાત એ છે કે પીસીબીએ કૅપ્ટનની પસંદ વિના જ આ ચારેય શ્રેણી માટેની ટીમ જાહેર કરી દીધી છે.
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે અને ટી-20 સિરીઝથી બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ રાષ્ટ્રીય ટીમમાં કમબૅક કરી રહ્યા છે. તેમને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટમાં નહોતા રમાડવામાં આવ્યા. જોકે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પછી ઝિમ્બાબ્વેની જે ટૂર યોજાશે એ માટેની ટીમમાં આ ત્રણેય અનુભવી ખેલાડીઓને સામેલ નથી કરવામાં આવ્યા.
મોહમ્મદ રિઝવાન નવા કૅપ્ટન તરીકે ફેવરિટ મનાય છે. જોકે તેના નામની જાહેરાત વિલંબમાં મૂકવામાં આવી છે. જોકે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાંથી તેને આરામ આપવામાં આવ્યો છે. 30 વર્ષનો સ્પિન-ઑલરાઉન્ડર સલમાન અલી આગા પણ કૅપ્ટન્સી માટે દાવેદાર છે. તેને ચારેય ટીમમાં સામેલ કરાયો છે.
આપણ વાંચો: ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નવુંં ગતકડું, વિચિત્ર ઑફર કરી…
ઇન્ઝમામ-ઉલ-હકના ભત્રીજા ઇમામ-ઉલ-હક તથા ફખર ઝમાનને પીસીબીએ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં સામેલ નથી કર્યા. આ બન્નેને ચારેયમાંથી એક પણ ટીમમાં નથી સમાવવામાં આવ્યા.
તાજેતરમાં એસીસી ઇમર્જિંગ એશિયા કપની સેમિ ફાઇનલમાં હારી જનાર પાકિસ્તાન શાહીન્સ ટીમના વિકેટકીપરને પસંદ નથી કરવામાં આવ્યો, પણ જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડમાં એક ટી-20 રમનાર વિકેટકીપર હસીબુલ્લા ખાનને ચારેય ટીમમાં સ્થાન અપાયું છે.
ચોથી નવેમ્બરે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન જે વન-ડે રમશે એ ગયા વર્ષે ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ પછીની પાકિસ્તાનની પ્રથમ વન-ડે કહેવાશે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં જ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ જોતાં પાકિસ્તાન હવે એ સ્પર્ધાની પૂર્વતૈયારી ઑસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે શ્રેણીથી શરૂ કરશે. પાકિસ્તાનના ક્રિકેટરો ઝિમ્બાબ્વેમાં રમ્યા બાદ સાઉથ આફ્રિકામાં ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમશે.