
જોહોરઃ મેન્સ જૂનિયર એશિયા કપ જીત્યા પછી ભારતીય જૂનિયર હૉકી ટીમ શુક્રવારે અહીં સુલતાન ઓફ જોહોર કપની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
ભારતને મલેશિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સાથે પુલ-બીમાં જ્યારે જર્મની, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટનને પુલ-એમાં રાખવામાં આવ્યા છે. જોહોર કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જૂનમાં જૂનિયર એશિયા કપમાં પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં 2-1થી જીત મેળવીને રેકોર્ડ ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.
28 અને 30 ઓક્ટોબરે ગ્રુપ સ્ટેજમાં ભારતની મેચ ક્રમશઃ મલેશિયા અને ન્યૂઝીલેન્ડ સામે થશે. ગ્રુપમાં ટોચની બે ટીમોને સેમિફાઈનલમાં સ્થાન મળશે.
ભારતીય કેપ્ટન ઉત્તમ સિંહે કહ્યું હતું કે અમે પાકિસ્તાન સામે જીત સાથે અમારા અભિયાનની મજબૂત શરૂઆત કરવાનો અને ફાઈનલ સુધી અમારું પ્રદર્શન જાળવી રાખવાનું લક્ષ્ય રાખીશું. અમે દરેક મેચમાં અમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ વ્યૂહરચના લાગુ કરવાનો પ્રયાસ કરીશું.