સ્પોર્ટસ

વિરાટની ફટકાબાજી સામે જૂનો સાથી ખેલાડી કરશે અમ્પાયરિંગ, જાણો રસપ્રદ વાતો…

નવી દિલ્હી: નસીબની બલિહારી તો જુઓ! 2008ની સાલમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી કોહલીની કરીઅરનો ગ્રાફ એકદમ ઊંચે ગયો, જ્યારે એ જ વિશ્વ કપમાં હાઈએસ્ટ 262 રન બનાવનાર તન્મય શ્રીવાસ્તવ ક્રિકેટ ખેલાડી મટીને હવે અમ્પાયર બની ગયો છે. 22મી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં વિરાટ ફટકાબાજી કરશે, જ્યારે તન્મય અમ્પાયરની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: શ્રેયસ ઐયર કેમ કહે છે કે `મને ખોટો બદનામ કરવામાં આવ્યો’

2008માં અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટના સુકાનમાં ભારતે સાઉથ આફ્રિકાને 12 રનથી હરાવી દીધું હતું. એ ફાઇનલમાં તન્મયના 46 રન હાઈએસ્ટ હતા. તેની અને 19 રન બનાવનાર વિરાટ વચ્ચે 47 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી.

વિરાટ અને તન્મય વચ્ચે બહુ સારી દોસ્તી છે. જોકે આઇપીએલમાં બંને અલગ રોલમાં જોવા મળશે. વિરાટ 2008ની સાલ પછી મહાન ક્રિકેટર બની ગયો, જ્યારે તન્મયને રમવાનો વધુ મોકો ન મળતા અમ્પાયરિંગનો કોર્સ કરીને હવે આઇપીએલમાં અમ્પાયર તરીકેની જવાબદારી અદા કરશે. તન્મયે રણજી ટ્રોફી સહિતની કુલ 90 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં 4,900થી વધુ રન બનાવ્યા હતા.


36 વર્ષના વિરાટની આંતરરાષ્ટ્રીય કરીઅર થોડા સમયમાં પૂરી થઈ જશે. બીજી તરફ, તેના જૂના મિત્ર 35 વર્ષીય તન્મયની અમ્પાયર તરીકેની કારકિર્દી હવે શરૂ થઈ રહી છે.

તન્મય અગાઉ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ વચ્ચે રમ્યો હતો અને ૩૦ વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડના કેપ્ટન તરીકે રહીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું છોડ્યું હતું. ત્યાર પછી તેણે ક્રિકેટના મેદાન સાથે જોડાયેલા રહેવા માટે અમ્પાયરિંગનો કોર્સ કર્યો હતો અને હવે આઈપીએલમાં અમ્પાયરિંગ કરશે.

આ પણ વાંચો: આક્રમક બૅટર-કૅપ્ટન સૌરવ ગાંગુલી બની ગયો અગ્રેસિવ `પોલીસ અધિકારી’!

તન્મયે એક જાણીતા અંગ્રેજી અખબારને મુલાકાતમાં કહ્યું છે કે તે હજી પણ વિરાટના સંપર્કમાં રહે છે. જોકે આઇપીએલમાં વિરાટ બૅટર તરીકે મેદાન પર ઊતરશે અને તન્મય અમ્પાયર તરીકેની ફરજ બજાવશે. કદાચ એવું બની શકે કે આઇપીએલ દરમ્યાન આરસીબીની કોઈક મૅચમાં વિરાટ બૅટિંગ કરતો હશે અને તન્મય અમ્પાયરિંગ કરતો જોવા મળશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button