સીયર્સ-ડેરિલના વિક્રમો વચ્ચે ન્યૂ ઝીલૅન્ડની પાકિસ્તાન સામે 3-0થી ક્લીન-સ્વીપ…

માઉન્ટ મૉન્ગેનુઇ (ન્યૂ ઝીલૅન્ડ): માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે (NEW ZEALAND) આજે પાકિસ્તાન (PAKISTAN)ને ત્રીજી અને છેલ્લી વન-ડે (ONE DAY)માં 43 રનથી હરાવીને પ્રવાસી ટીમનો 3-0થી વાઇટ-વૉશ (WHITE WASH) કર્યો હતો. એ સાથે કિવીલૅન્ડ પર પાકિસ્તાન ટી-20 સિરીઝ 1-4થી હારી ગયા બાદ હવે વન-ડે શ્રેણી 0-3થી હારી ગયું છે.
ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર બેન સીયર્સ વન-ડેમાં બૅક-ટુ-બૅક મૅચમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ કિવી બોલર બન્યો હતો. એ પહેલાં, ડેરિલ મિચલ વન-ડે ક્રિકેટમાં ન્યૂ ઝીલૅન્ડ વતી સૌથી ઓછી ઇનિંગ્સમાં 2,000 રન પૂરા કરનાર બૅટ્સમૅન બન્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડે વરસાદને કારણે 50-50ને બદલે 42-42 ઓવરની મૅચ થઈ ગયા પછી આઠ વિકેટે 264 રન કર્યા હતા જેમાં કૅપ્ટન માઇકલ બ્રેસવેલના 59 રન હાઇએસ્ટ હતા.

બ્રેસવેલે આ 59 રન 40 બૉલમાં છ છગ્ગા અને એક ચોક્કાની મદદથી બનાવ્યા હતા. એ પહેલાં, ઓપનર રાઇસ મૅરિયુએ 58 રન અને ડેરિલ મિચલે 43 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન વતી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અકીફ જાવેદે સૌથી વધુ ચાર વિકેટ અને નસીમ શાહે બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 221 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ન્યૂ ઝીલૅન્ડનો 43 રનથી વિજય થયો હતો. એકમાત્ર બાબર આઝમ (50 રન, 58 બૉલ, એક સિક્સર, ચાર ફોર) હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો. કૅપ્ટન મોહમ્મદ રિઝવાન (37 રન) સહિત બીજો કોઈ બૅટ્સમૅન 40 રન પણ નહોતો બનાવી શક્યો.

બેન સીયર્સે પાંચ વિકેટ અને બીજા પેસ બોલર જૅકબ ડફીએ બે વિકેટ લીધી હતી. સીયર્સને મૅન ઑફ ધ મૅચનો અને કૅપ્ટન માઇકલ બ્રેસવેલને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. આ વન-ડે શ્રેણીમાં ડેરિલ મિચલના 137 રન હાઇએસ્ટ હતા અને બેન સીયર્સની 10 વિકેટ તમામ બોલરમાં સૌથી વધુ હતી.

આ પણ વાંચો: નવેમ્બરમાં દિલ્હીમાં `પ્રદૂષણની પરાકાષ્ઠા’ છતાં સાઉથ આફ્રિકા સામે રમાશે ટેસ્ટ!
પાકિસ્તાનના ખેલાડીઓ ન્યૂ ઝીલૅન્ડના આ પ્રવાસમાં પહેલાં તો સલમાન આગાના સુકાનમાં ટી-20 શ્રેણી 1-4થી હારી ગયા હતા અને હવે વન-ડેમાં રિઝવાનના સુકાનમાં તેમણે વધુ મોટી નામોશી (0-3થી હાર) જોવી પડી છે.