નેશનલ ટાઇટલ આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશેઃ ચિરાગ સેન
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનના મોટા ભાઇ ચિરાગ સેન આખરે સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતવામાં સફળ થયો અને તેણે કહ્યું કે આ સિદ્ધિ તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર સફળતા હાંસલ કરવામાં પ્રેરણા આપશે.
લક્ષ્ય સેન ક્યારેય રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી શક્યો નથી પરંતુ તેના મોટા ભાઈ ચિરાગે ગુવાહાટીમાં રવિવારે ફાઇનલમાં ચોથા ક્રમના ખેલાડી એમ થારુનને 21-14 13-21 21-9થી હરાવીને રાષ્ટ્રીય ટાઇટલ જીત્યું હતું.
કીનિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2020 ટાઇટલ જીતનાર ચિરાગે પીટીઆઇને કહ્યું હતું કે આ (નેશનલ ચેમ્પિયનશિપ)નું ટાઇટલ થોડું મોડું મળ્યું છે, પરંતુ અંતે હું આ જીતથી ખૂબ જ ખુશ છું.
હું છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સારું પ્રદર્શન કરી રહ્યો છું પરંતુ હવે હું આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યો છું. હવે હું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારું પ્રદર્શન કરવા માટે ઉત્સાહિત છું.
છેલ્લા કેટલાક વર્ષોથી ડોમેસ્ટિક સર્કિટમાં રમી રહેલા 25 વર્ષીય ચિરાગે સ્વીકાર્યું કે લક્ષ્ય સેને તેની કારકિર્દીને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.