મેચ દરમિયાન મેદાન પર ઢળી પડ્યા બાદ ભારતીય ક્રિકેટરનું મોત; ક્રિકેટ જગતમાં શોકનો માહોલ…

આઈઝોલ: ભારતીય ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ગઈ કાલે ગુરુવારે એક મેચ રમતી વખતે ઢળી પડ્યા બાદ મિઝોરમના 38 ડોમેસ્ટિક ક્રિકેટર કે લાલરેમરુઆતા(K Lalremruata)નું મૃત્યુ નીપજ્યું છે.
અહેવાલ મુજબ ખાલેદ મેમોરિયલ સેકન્ડ ડિવિઝન સ્ક્રીનીંગ ટુર્નામેન્ટમાં બેટિંગ દરમિયાન સ્ટ્રોકના કારણે તે મેદાન પર ઢળી પડ્યો હળ્યો હતો, પેવેલિયનમાં પરત ફર્યા બાદ તેણે છાતીમાં દુખાવો થઇ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી, તમામ પ્રયાસો છતાં ડોક્ટર્સ તેને બચાવી શક્યા નહીં.
બેટિંગ કરતા ઢળી પડ્યો:
કે લાલરેમરુતા મિઝોરમ ક્રિકેટમાંનો જાણીતો ડોમેસ્ટિક ક્રિકેટ પ્લેયર હતો, રાષ્ટ્રીય સ્તરે તેણે રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખાલેદ મેમોરિયલ સેકન્ડ ડિવિઝન સ્ક્રીનીંગ ટુર્નામેન્ટમાં લાલરેમરુઆતા વેંઘનુઈ રાઇડર્સ ક્રિકેટ ક્લબ(Venghnuai Raiders CC) તરફથી રમી રહ્યો હતો. મેચ દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, થોડા સમય બેટિંગ કર્યા બાદ તે ઢળી પડ્યો હતો. તેનું અચાનક અવસાન નિપજતા મિઝોરમ ક્રિકેટમાં શોકની લાગણી છે.

ક્રિકેટ જગતમાં શોક:
ક્રિકેટ એસોસિએશન ઓફ મિઝોરમએ લાલરેમરુતાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ સ્ટ્રોકને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. એસોસિએશને જણાવ્યું, “અમારી ભાવના વિચારો અને પ્રાર્થનાઓ તેમના પરિવાર સાથે છે. ભગવાન તેમને આ દુઃખમાંથી પસાર થવાની હિંમત આપે.” મિઝોરમના સ્પોર્ટ્સ એન્ડ યુથ સર્વિસ વિભાગના પ્રધાન લાલનઘિંગ્લોવા હમારે પણ લાલરેમરુતાના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યો.
મિઝોરમમાં તેની સાથે રમતા ક્રિકેટરો, રાજ્યના રમતગમત વિભાગના અધિકારીઓ અને ક્રિકેટ પ્રેમીઓ તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તેના સાથીઓના જણાવ્યા મુજબ તે એક શિસ્તબદ્ધ ખેલાડી હતો અને ક્રિકેટ માટે સંપૂર્ણ પણે સમર્પિત હતો.
નિવૃત્તિ બાદ પણ ક્રિકેટ ક્ષેત્રે સક્રિય:
કે લાલરેમરુતાએ બે વાર રણજી ટ્રોફીમાં અને સાત વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લીધો હતો. રાજ્યની ટીમમાંથી નિવૃત્તિ પછી પણ તે રાજ્ય સ્તરની ટુર્નામેન્ટ અને સ્થાનિક ક્લબોમાં સક્રિયપણે ક્રિકેટ રમતો હતો. સિનિયર ટુર્નામેન્ટ કમિટી સાથે જોડાયલો હતો અને રાજ્યમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરતો હતો.



