`હું મરવાની અણીએ જ હતો’ એવું કહેનાર ટાયસન પોતાને હારીને પણ વિજયી માને છે, જાણો કેવી રીતે…
ટેક્સસઃ બૉક્સિંગના સમ્રાટ માઇક ટાયસને શનિવારે પોતાનાથી અડધાથી પણ વધુ નાની ઉંમરના જેક પૉલ સામેની મુક્કાબાજી હારી ગયા પછી એક્સ (અગાઉનું નામ ટવિટર) પર આ વર્ષના જૂન મહિનાની પોતાની કથળેલી તબિયતની વાત કરતા જણાવ્યું હતું કે એ સમયે હું મરવાની અણીએ જ હતો.' ટાયસને એવું પણ કહ્યું કે
યુટ્યૂબરમાંથી બૉક્સર બનેલા પૉલ સામે શનિવારે હારી જવાનો મને કોઈ જ અફસોસ નથી.
ટાયસન 58 વર્ષનો છે અને તે પોતાનાથી 31 વર્ષ નાના 27 વર્ષીય જેક પૉલ સામે બે-બે મિનિટના કુલ આઠ રાઉન્ડ સુધી લડ્યો હતો અને જેક પૉલનો 78-74થી વિજય થયો હતો.
આયર્ન માઇક' તરીકે જાણીતા ટાયસન અને જેક પૉલનું બાઉટ જોવા ટેકસસના ઍટી ઍન્ડ ટી સ્ટેડિયમમાં 72,300 પ્રેક્ષકો આવ્યા હતા તેમ જ લગભગ છ કરોડ દર્શકોએ જીવંત પ્રસારણ માણ્યું હતું.
આપણ વાંચો: ટાયસન-જેક પૉલની મુક્કાબાજી પહેલાં ભારતના આ બૉક્સરની છે ઇવેન્ટ, જાણો ક્યારે અને કોની સામે
ભૂતપૂર્વ વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયન ટાયસને લખ્યું છે કે
ક્યારેક એવી લાગણી થતી હોય છે કે તમે હારી જવા છતાં પોતાને વિજેતા માનો છો. છેલ્લી વખત બૉક્સિંગની રિંગમાં હું ગયો એ બદલ પોતાને ભાગ્યશાળી માનું છું.
આ વર્ષના જૂન મહિનાની જ વાત કરું. હું એ અરસામાં જ જેક સામે લડવાનો હતો, પરંતુ મારી તબિયત ખૂબ બગડી ગઈ હતી. સમજો કે હું જાણે મરવાની અણીએ જ હતો. મને લોહીની ઊલટી થઈ હતી. મેં આઠ બ્લડ ટ્રાન્ફ્યૂઝન કરાવ્યા હતા. મારા શરીરમાંથી લગભગ અડધા ભાગનું લોહી ઘટી ગયું હતું.
ત્યાર પછી મારે ફરી સ્વસ્થ થવા ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો અને એને હું વિજય ગણું છું. મારા સંતાનો મારા માટે ખડે પગે હતા. હવે મેં પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમની રિંગમાં મારાથી અડધાથી પણ ઓછી ઉંમરવાળા ટૅલન્ટેડ હરીફ સામે લડીને આઠ રાઉન્ડ પૂરા કર્યા એવો અનુભવ મને નથી લાગતું કે બીજા કોઈને મળે.’ ટાયસને જૂનમાં પોતાને અલ્સરની બીમારી વધી ગઈ હોવાની વાત નકારી કાઢી હતી.
બિલ્યનેર બિઝનેમૅન ઇલોન મસ્કે એકસ પર ટાયસનની પોસ્ટના જવાબમાં `બ્રાવો’ લખીને તેને 58 વર્ષની ઉંમરે શનિવારની મુક્કાબાજી માટે રિંગમાં ઉતરવા બાબતમાં બિરદાવ્યો હતો.