કૉપા અમેરિકા: મેસીનું આર્જેન્ટિના વિક્રમજનક 16મા ટાઇટલની તલાશમાં
સવારે 5.30 વાગ્યાથી કોલમ્બિયા સાથે ટક્કર: કૅનેડા સામે ઉરુગ્વે 4-3થી જીતીને ત્રીજા સ્થાને રહ્યું

માયામી: અહીં ભારતીય સમય મુજબ સોમવારે વહેલી સવારે 5.30 વાગ્યે કૉપા અમેરિકા ફૂટબૉલ સ્પર્ધામાં આર્જેન્ટિના અને કોલમ્બિયા વચ્ચે ફાઇનલ શરૂ થશે અને એ સાથે બન્ને દેશની ટીમ પોતપોતાની રીતે અનેરી સિદ્ધિ મેળવવા કમર કસશે.
આર્જેન્ટિના અમેરિકા ખંડના દેશો વચ્ચેની આ ફૂટબૉલ સ્પર્ધાનું ટાઇટલ 15 વખત જીતી ચૂક્યું છે અને ઉરુગ્વે સાથે બરાબરીમાં છે. જોકે આર્જેન્ટિના વધુ એક વાર ચૅમ્પિયન બનશે એટલે વિક્રમજનક 16મા ટાઇટલ પર એનું નામ લખાઈ જશે.
બીજી તરફ, કોલમ્બિયા માત્ર એક વાર (2001માં) કૉપા અમેરિકાનો તાજ જીત્યું છે એટલે એને 23 વર્ષે ફરી ચૅમ્પિયન બનવાનો બહુ સારો મોકો છે.
ફિફા વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ છેલ્લે 2021માં રમાયેલા કૉપા અમેરિકાનું ટાઇટલ જીતી હતી. જોકે કૅપ્ટન લિયોનેલ મેસી (Lionel Messi) સતત ચોથા મોટા ટાઇટલની તલાશમાં છે.
આ પણ વાંચો: Copa America 2024: કૉપા અમેરિકામાં યજમાન યુએસએની દમદાર વિજયી શરૂઆત
48 વર્ષના કૉપા અમેરિકાના ઇતિહાસમાં માત્ર બીજી વાર આ સ્પર્ધા દક્ષિણ અમેરિકાની બહાર (અમેરિકામાં) યોજાઈ છે.
હેડ-ટુ-હેડ મુકાબલાઓની વાત કરીએ તો બન્ને દેશ વચ્ચે કુલ 43 મૅચ રમાઈ છે જેમાંથી 26 મૅચ આર્જેન્ટિનાએ અને નવ મૅચ કોલમ્બિયાએ જીતી છે. આઠ મૅચ ડ્રૉમાં પરિણમી છે. કોલમ્બિયા છેલ્લે આર્જેન્ટિના સામે છેક 2019માં કૉપા અમેરિકાની લીગ મૅચમાં 2-0થી જીત્યું હતું.
ત્રીજા સ્થાન માટે શનિવારે ઉરુગ્વે-કૅનેડા વચ્ચે મુકાબલો થયો હતો જેમાં બન્ને ટીમ 2-2થી બરાબરીમાં રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં ઉરુગ્વેનો 4-3થી વિજય થયો હતો.