મહિલા બોક્સિંગ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મીનાક્ષીએ વિશ્વ ચેમ્પિયન નીતુને હરાવી અપસેટ સર્જ્યો

ગ્રેટર નોઈડાઃ મહિલા બોક્સર મીનાક્ષી અહીં 8મી એલીટ મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં હરિયાણાની વિશ્વ ચેમ્પિયન નીતુ ઘંઘાસને હરાવીને પોતાના 48 કિગ્રા ટાઇટલ બચાવવાની નજીક પહોંચી ગઈ છે.
એશિયન ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા 24 વર્ષીય મીનાક્ષીએ ત્રણેય રાઉન્ડમાં પ્રભુત્વ જમાવ્યું અને 4-1ના વિભાજિત નિર્ણયથી જીત મેળવીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો.
પોતાની આક્રમક શૈલી માટે જાણીતી 2022 કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન અને 2023 વર્લ્ડ ચેમ્પિયન નીતુ લયમાં દેખાઈ નહીં અને સંઘર્ષ કરતી જોવા મળી હતી. મીનાક્ષીએ કહ્યું હતું કે, “મને ખરેખર સારું લાગે છે.
કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલમાં હું નીતુ સામે હારી ગઇ હતી. તેથી મને ખબર હતી કે તે મુશ્કેલ હશે. હવે મીનાક્ષીનો મુકાબલો દિલ્હીની સંજના સામે થશે જેણે રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચંડીગઢની ગુડ્ડીને હરાવી હતી.
અન્ય વિજેતાઓમાં 2014 ઇંચિયોન એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પૂજા રાની (75 કિગ્રા) અને વિશ્વ અને એશિયન ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા સોનિયા લાઠેર (54 કિગ્રા)નો સમાવેશ થાય છે જેમણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્વિત કર્યું હતું. રેલવેનું પ્રતિનિધિત્વ કરતી પૂજાએ કોમલને 5-0 ના માર્જિનથી હરાવી હતી.
યુવા વિશ્વ અને રાષ્ટ્રીય ચેમ્પિયન સનમાચા ચાનુએ પણ કર્ણાટકની એએ સાંચી બોલમ્મા સામે પ્રથમ રાઉન્ડમાં આરએસસી જીત સાથે લાઇટ મિડલવેઇટ (70 કિગ્રા) કેટેગરીના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
રાજસ્થાનની ડિફેન્ડિંગ ચેમ્પિયન લલિતા (70 કિગ્રા) એ પણ પંજાબની કોમલપ્રીત કૌરને 4-1ના વિભાજીત નિર્ણયથી હરાવીને છેલ્લા ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.