ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને પણ હરાવી, જાણો કેવી રીતે…

કોલંબોઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમે વન-ડેના ત્રિકોણીય (TRI SERIES) જંગમાં યજમાન શ્રીલંકાને હરાવી દીધા પછી હવે સાઉથ આફ્રિકાને પણ પરાજિત કરી છે. ભારતે 277 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 261 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં ભારતનો 15 રનથી વિજય થયો હતો.
ઑફ-સ્પિનર સ્નેહ રાણા (10-0-33-5) અને ઓપનર પ્રતિકા રાવલ (78 રન, 91 બૉલ, એક સિક્સર, સાત ફોર) ભારતના વિજયની બે મૅચ-વિનર હતી.
આપણ વાંચો: ભારતીય મહિલા ટીમે તોડ્યો પોતાનો જ વિક્રમ, જેમાઇમા માટે પણ સુપર-સન્ડે
ઉત્તરાખંડની 31 વર્ષીય સ્પિનર સ્નેહ રાણા (SNEH RANA)એ પહેલી જ વાર વન-ડે મૅચમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી.
બીજી તરફ, દિલ્હીની 24 વર્ષની પ્રતિકા રાવલે (PRATIKA RAWAL) 27મી એપ્રિલે શ્રીલંકા સામેની મૅચમાં અણનમ 50 રન કરીને ભારતને વિજય અપાવ્યો ત્યાર પછી હવે સતત બીજી હાફ સેન્ચુરી ફટકારી છે. ભારતના 276 રનમાં હરમનપ્રીતનું તેમ જ જેમાઇમા રૉડ્રિગ્સનું પણ 41 રનનું યોગદાન હતું.
277 રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવવા માટે સાઉથ આફ્રિકાની બૅટર્સે ભારતીય બોલર્સનો શરૂઆતથી જ સમજદારી અને હિંમતથી સામનો કર્યો હતો જેમાં ઓપનર તેઝમિન બ્રિટ્સ (109 રન, 107 બૉલ, ત્રણ સિક્સર, તેર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું.
આપણ વાંચો: ભારતીય મહિલા ટીમે બંગલાદેશને ૪૪ રનથી હરાવી
તેણે ઓપનર અને કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ (43 રન, 75 બૉલ, ત્રણ ફોર) સાથે 140 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી અને બ્રિટ્સ છેક 48મી ઓવરમાં (સ્નેહ રાણાના જ બૉલમાં તેના જ હાથમાં) કૅચઆઉટ થઈ હતી.
તેની વિકેટ પડતાં જ સાઉથ આફ્રિકાની હાર નક્કી થઈ ગઈ હતી. તે આઉટ થઈ ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 252/8 હતો અને સાઉથ આફ્રિકાને જીતવા માટે 12 બૉલમાં બીજા પચીસ રનની જરૂર હતી.
જોકે 253 રનના કુલ સ્કોર પર મસાબાતા ક્લાસ (બે રન)ને અરુંધતી રેડ્ડીએ રનઆઉટ કરી અને પછી છેલ્લી ઓવરના બીજા બૉલ પર નૉનકુલુલેકો મલાબા (આઠ રન)ને દીપ્તિ શર્મા અને વિકેટકીપર રિચા ઘોષે રનઆઉટ કરતા 261 રનના કુલ સ્કોર પર સાઉથ આફ્રિકાનો દાવ સમેટાઈ ગયો હતો.
ત્રણ ટીમમાં ભારત ચાર પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે શ્રીલંકા-સાઉથ આફ્રિકા, બન્નેના પાસે કોઈ જ પૉઇન્ટ નથી. હવે ભારતની રવિવારે (સવારે 10.00 વાગ્યાથી) ફરી શ્રીલંકા સામે મૅચ રમાશે.