લોર્ડ્સ ટેસ્ટમાં જીત છતાં ઇંગ્લેન્ડને ડબલ ઝટકો! મેચ ફી કપાઈ અને WTC પોઈન્ટ પણ ઘટ્યા; જાણો કેમ

લંડન: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની ‘એન્ડરસન-તેંડુલકર ટ્રોફી’ની ત્રીજી મેચ ખુબ રોમાંચક રહી, લોર્ડ્સમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રનથી (Eng beats Ind in Lords test) હરાવ્યું. આ જીત સાથે ભારતે સિરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં જીત છતાં ઇંગ્લેન્ડની ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ICCએ ટીમ પર મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે, આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)ના પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ કાપવામાં આવ્યા છે.
સિરીઝની ત્રીજી ટેસ્ટમાં સ્લો ઓવર રેટ માટે ICCએ ઇંગ્લેન્ડને દંડ ફટકારવામાં આવ્યો છે. બે પોઈન્ટ કપાઈ જતાં ઇંગ્લેન્ડની ટીમને WTC પોઈન્ટ ટેબલમાં એક સ્થાનનું નુકશાન થયું છે, હવે ટીમ ત્રીજા સ્થાને આવી ગઈ છે. ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે આ દંડનો સ્વીકાર કર્યો છે, એટલે હવે આ દંડ સામે કોઈ અપીલ કરવામાં નહીં આવે.
શું છે ICCના નિયમો?
સમય એલાઉન્સની ગણતરી કર્યા બાદ, ઇંગ્લેન્ડે જરૂરી ક્વોટા કરતાં બે ઓવર ઓછી ફેંકી હોવાનું જણાતાં, ICC મેચ રેફરી રિચી રિચાર્ડસને દંડ ફટકાર્યો હતો. ICCના નિયમો મુજબ, જો કોઈ ટીમ સમય કરતા એક ઓવર મોડી ફેંકે તો મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે અને એક WTC પોઈન્ટ ગુમાવવો પડે છે. ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે બે ઓવર મોડી ફેંકી હતી, આ કિસ્સામાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેમની મેચ ફીના 10% ગુમાવશે, અને ટીમને બે WTC પોઈન્ટ ગુમાવવા પડશે.
WTC પોઈન્ટ ટેબલની સ્થિતિ:
આ દંડ લાગુ થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડના પોઈન્ટ 24 થી ઘટીને 22 થઈ ગયા છે. પરિણામે, ઇંગ્લેન્ડનો PCT 66.67% થી ઘટીને 61.11% થઈ ગયો છે. શ્રીલંકાને આનો ફાયદો થયો છે, શ્રીલંકન ટીમ ઈંગ્લેન્ડને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગઈ છે, તેનો PCT 66.67% છે. આ સાયકલની અત્યાર સુધીની ત્રણેય મેચ જીતીને ઓસ્ટ્રેલિયા 100% PCT સાથે ટોચ પર છે, જ્યારે ભારત PCT 33.33 ટકા સાથે ચોથા સ્થાને છે.