સ્વિગી પર ખાવાનું મગાવનાર X યુઝરની પોસ્ટ પર કુલદીપ યાદવનું રિએક્શન વાયરલ..
પોતાના સ્વિગી ઓર્ડરનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરનાર એક યુઝરે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી કુલદીપને ટેગ કર્યો હતો, જેના પર કુલદીપે આપેલો જવાબ ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર જેટલા ઝઘડા અને બબાલો થાય છે તેટલી જ મજાકમસ્તી પણ થતી હોય છે. અને યુઝર્સની મજાકમસ્તીમાં જ્યારે સેલિબ્રિટીઝ પણ ઝુકાવે ત્યારે તે એક યાદગાર ઘટના સમાન બની રહે છે. એક X યુઝર હર્ષ હ્યુમરે ઓનલાઇન ઓર્ડર આપીને ખાવાનું મંગાવ્યું હતું, જોગાનુજોગે તેના ઓર્ડરની ડિલીવરી કરનાર વ્યક્તિનું નામ પણ કુલદીપ યાદવ હતું. આમ પોતાના ઓર્ડરને ડિલીવર કરનાર ડિલીવરી બોયનું નામ ભારતીય ક્રિકેટરના નામ જેવું નીકળતા તેને ટીખળ સૂઝી અને પોતાના ઓર્ડરનો સ્ક્રીનશોટ તેણે સ્ટેટસમાં મુકીને ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવને ટેગ કર્યો હતો. અને તેને પૂછ્યું હતું કે કુલદીપ યાદવ શું ઓફપિચ પણ ડિલીવર કરે છે?
જો કે તેના આશ્ચર્ય વચ્ચે કુલદીપે તેની આ પોસ્ટને પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી અને તેને જવાબ આપતા પૂછ્યું હતું કે “શું મંગાવ્યું હતું ભાઇ..!” આ પછી હર્ષ હ્યુમરની X પોસ્ટ જોરદાર રીતે વાઇરલ થઇ હતી અને લોકોએ અલગ અલગ રિએક્શન આપ્યા.
એક યુઝરે લખ્યુ, “અમે તો વર્લ્ડકપ ટ્રોફી ઓર્ડર કરી છે!” અન્ય એક યુઝરે લખ્યું, “નેક્સ્ટ મેચમાં 5 વિકેટ ડિલીવર કરી દો ભાઇ!” X પર 1.6 મિલિયન લોકોએ આ પોસ્ટને જોઇ હતી.