NZ vs PAK: ત્રીજી ODIમાં હાર બાદ પાકિસ્તાનનો આ ખેલાડી દર્શકને મારવા દોડ્યો, જાણો શું છે મામલો

માઉન્ટ મૌંગાનુઈલ: પાકિસ્તાન ક્રિકેટ ટીમ સતત કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહે છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની ODI સિરીઝની છેલ્લી મેચમાં પાકિસ્તાનના એક ખેલાડીએ એક એવી હરકત કરીએ જે જોઈને સૌ ચોંકી (NZ vs PAK 3rd ODI) ગયા. સિરીઝની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડના માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ હતી, આ મેચમાં પાકિસ્તાનને 43 રનથી હાર મળી. આ સાથે જ સિરીઝમાં પાકિસ્તાનનું વ્હાઇટવોશ થઇ ગયું, પાકિસ્તાન સિરીઝ 0-3થી હારી ગઈ. મેચ બાદ પાકિસ્તાની ખેલાડીનો એક ખેલાડી દર્શક સાથે બાખડી પડ્યો હતો. આ ઘટનાના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
શું હતી ઘટના?
પાકિસ્તાન ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડે પણ હારી ગયું. હાર બાદ જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ મેદાન છોડી બહાર જઈ રહ્યા હતાં, ત્યારે એક દર્શકે પાકિસ્તાની ખેલાડીઓ પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. દર્શકની આ હરકતથી ખુશદિલ શાહ (Khusdil Shah) રોષે ભરાયો અને દર્શકને સામે જવાબ આપવાનું શરુ કર્યું. સ્ટેડિયમમાં હાજર સિક્યુરિટી ઓફિસર્સે અને સાથી ખેલાડીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કાબુમાં ના રહ્યો. ખુશદિલ દર્શક તરફ દોડવા લાગ્યો. તે રેલિંગ પરથી કૂદી ગયો અને દર્શકો વચ્ચે પહોંચી ગયો. પાકિસ્તાન ટીમના ક્રિકેટરો અને કેટલાક સુરક્ષા કર્મચારીઓએ તેને પકડીને રોક્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ખુશદિલને દંડ ફટકાર્યો:
આ કૃત્ય બદલ ખુશદિલને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. પાકિસ્તાની ખેલાડીને ત્રણ ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ એક નિવેદનમાં જણાવ્યું કે, “જ્યારે પાકિસ્તાન વિરોધી નારા લાગ્યા, ત્યારે ક્રિકેટર ખુશદિલ શાહે દરમિયાનગીરી કરી અને દર્શકોને એવું ન કરવા વિનંતી કરી. જવાબમાં, અફઘાન દર્શકોએ પશ્તો ભાષામાં અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો, જેનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ.”

અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના કેટલાક દર્શકોએ મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. પાકિસ્તાની ટીમની ફરિયાદ બાદ, અફઘાન મૂળના બે દર્શકોને મેદાનની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
આ પહેલા પણ ન્યુઝીલેન્ડમાં ખુશદિલ શાહ વિવાદમાં ફસાયો હતો. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરીઝ દરમિયાન ખુશદિલ શાહે બેટિંગ કરતી વખતે ન્યુઝીલેન્ડના બોલર ફોક્સને ટક્કર મારી હતી, જેને કારણે તેને ત્રણ ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યા, મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.