Kedar Jadhav announces retirement : કેદાર જાધવે ધોનીની સ્ટાઇલમાં જાહેર કર્યું રિટાયરમેન્ટ, જાણો કેવી રીતે…
પુણે: ભારત વતી છેલ્લે ચાર વર્ષ પહેલાં રમેલા બૅટર કેદાર જાધવે ક્રિકેટના તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. 39 વર્ષના આ ખેલાડીએ એમએસ ધોનીની સ્ટાઇલમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
કેદારને એકેય ટેસ્ટ નહોતી રમવા મળી. તેણે 2014થી 2020 દરમ્યાન 73 વન-ડેમાં બે સેન્ચુરીની મદદથી અને 42.09ની ઍવરેજે 1,389 રન બનાવ્યા હતા જેમાં તેની 14 સિક્સર અને 141 ફોર સામેલ હતી. તે ઑફ-સ્પિનર પણ હતો અને તેણે 27 વિકેટ લીધી હતી.
2015થી 2019 દરમ્યાન તે અનુક્રમે ઝિમ્બાબ્વે, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં અનુક્રમે અણનમ 105, અણનમ 120 અને અણનમ 81 રન બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. 2017માં તે ઇંગ્લૅન્ડ સામેની હોમ વન-ડે સિરીઝમાં કુલ 232 રન બદલ મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.
જાન્યુઆરી, 2017માં પુણેમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડેમાં તેણે જે મૅચ-વિનિંગ સેન્ચુરી (120 રન, 76 બૉલ, ચાર સિક્સર, બાર ફોર) ફટકારી હતી એ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સૌથી ધ્યાનાકર્ષક પર્ફોર્મન્સ હતો. ભારતે એમાં જીતવા 351 રન બનાવવાના હતા અને એક તબક્કે ભારતનો સ્કોર 63/4 હતો. જોકે કેદારે વિરાટ કોહલી (122 રન) સાથે મળીને પાંચમી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.
આ પણ વાંચો: ઓહ નો! ટીમ ઇન્ડિયાના કોચ બનવા મોદી-અમિત શાહ, સચિન-ધોનીના પણ નામ આવ્યા? આખો મામલો શું છે? જાણો સત્ય
રાઇટ-હૅન્ડ બૅટર કેદાર નવ ટી-20 ઇન્ટરનૅશનલમાં માત્ર 122 રન બનાવી શક્યો હતો. જોકે આઇપીએલમાં તેને પાંચ ટીમ (બેન્ગલૂરુ, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ અને કોચી) વતી રમવાની તક મળી છે. આઇપીએલ સહિતની સમગ્ર ટી-20 ક્રિકેટમાં તેણે 163 મૅચમાં 86 સિક્સર, 233 ફોરની મદદથી 2,592 રન બનાવ્યા છે.
કેદાર તેના સમયના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વથી ખૂબ પ્રભાવિત હતો. છેવટે તેણે ધોનીની સ્ટાઇલમાં નિવૃત્તિની જાહેરાતમાં આ મુજબ લખ્યું છે: ‘તમે સર્વેએ મને સમગ્ર કારકિર્દી દરમ્યાન જે પ્રેમ અને સપોર્ટ આપ્યા એ બદલ હું સૌનો આભારી છું. બપોરે 3.00 વાગ્યાથી મને તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલો ગણજો.’
કેદારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ‘એક્સ’ પર આ સંદેશ સોમવારે બપોરે 3.00 વાગ્યે લખ્યો હતો.
કેદાર ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર વતી 87 મૅચ રમ્યો છે જેમાં તેણે 17 સેન્ચુરી અને 23 હાફ સેન્ચુરીની મદદથી 6,100 રન બનાવ્યા છે.
રસપ્રદ બાબત એ છે કે કેદાર હાલમાં મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં કોલ્હાપુર ટસ્કર્સ ટીમનું નેતૃત્વ સંભાળે છે. તેની નિવૃત્તિમાં રવિવારે શરૂ થયેલી આ ઇવેન્ટ પણ સામેલ છે કે નહીં એની તેણે સ્પષ્ટતા નહોતી કરી.