સ્પોર્ટસ

કૂચ બિહાર ટ્રોફીમાં કર્ણાટકના બેટ્સમેને રચ્યો ઇતિહાસઃ મુંબઇ વિરુદ્ધ ફટકાર્યા અણનમ 404 રન

બેંગલુરુઃ કર્ણાટકના બેટ્સમેન પ્રખર ચતુર્વેદીએ બીસીસીઆઇની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે આ અંડર-19 ટુનામેન્ટ્સની ફાઇનલમાં મુંબઈ સામે 404 રનની અણનમ ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં 400 રન કરનાર એકમાત્ર બેટ્સમેન છે.

પ્રખરે કર્ણાટક માટે ઇનિંગની શરૂઆત કરી અને ઇનિંગ ડિક્લેર કરાઇ ત્યાં સુધી અણનમ રહ્યો હતો. તેણે 638 બોલનો સામનો કર્યો અને 46 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં એક ઇનિંગમાં 400 રન કરનાર તે પ્રથમ બેટ્સમેન છે. તેની ઇનિંગ્સના આધારે કર્ણાટકે તેનો પ્રથમ દાવ 890 રન પર ડિકલેર કર્યો હતો. તેના બેટ્સમેનોએ 223 ઓવરનો સામનો કર્યો અને ટીમે આઠ વિકેટ ગુમાવી હતી. પ્રખરે 400 રન પૂરા કરતાની સાથે જ ટીમે ઇનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો.

રસપ્રદ વાત એ છે કે આ જ મેચમાં ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે પણ પાંચમા નંબરે બેટિંગ કરતા 46 બોલમાં 22 રન ફટકાર્યા હતા. હર્ષિલ ધર્માએ 228 બોલમાં 169 રન ફટકાર્યા હતા. પ્રખરે તેની સાથે બીજી વિકેટ માટે 290 રનની ભાગીદારી કરી હતી.

ટૂર્નામેન્ટની ફાઈનલ કેએસસીએ નેવુલે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈએ પ્રથમ દાવમાં 380 રન કર્યા હતા. ટીમ તરફથી આયુષ મ્હાત્રેએ 145 રનની ઇનિંગ રમી હતી. કર્ણાટક તરફથી સમિત દ્રવિડે પણ બે વિકેટ ઝડપી હતી.
પ્રખરની ઇનિંગની મદદથી કર્ણાટકને પ્રથમ ઇનિંગમાં 510 રનની જંગી લીડ મળી હતી. ચોથા દિવસે જ્યારે કર્ણાટકએ તેનો દાવ ડિક્લેર કર્યો ત્યારે બંને ટીમો ડ્રો માટે સહમત થઇ હતી. કર્ણાટક પ્રથમ દાવમાં લીડ લેવાના કારણે આ સીઝનમાં કૂચ બિહાર ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button