સ્પોર્ટસ

વિલિયમસને એકવીસ ઇનિંગ્સ પછીની પહેલી સેન્ચુરીથી કોહલી-ડિલિયિયર્સને પાછળ રાખી દીધા!

7,000 રન પૂરા કર્યાઃ ટ્રાયેન્ગ્યૂલરમાં ન્યૂ ઝીલૅન્ડને જિતાડીને ફાઇનલમાં પહોંચાડી દીધું

લાહોરઃ પીઢ ખેલાડી કેન વિલિયમસને (133 અણનમ, 113 બૉલ, બે સિક્સર, તેર ફોર) ગઈ કાલે અહીં ન્યૂ ઝીલૅન્ડને વન-ડે ટ્રાયેન્ગ્યૂલરમાં સાઉથ આફ્રિકા સામે રોમાંચક વિજય અપાવીને ફાઇનલમાં પહોંચાડવાની સાથે કેટલીક અંગત સિદ્ધિ પણ મેળવી હતી.

એકવીસ વન-ડે ઇનિંગ્સ પછી સેન્ચુરી નોંધાવનાર વિલિયમસન વન-ડેમાં સૌથી ઝડપે 7,000 રન બનાવનાર બૅટર્સમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને પાછળ રાખીને બીજા નંબર પર આવી ગયો છે.

સાઉથ આફ્રિકાના હાશિમ અમલાએ 150 વન-ડે ઇનિંગ્સમાં 7,000 રન પૂરા કર્યા હતા, જ્યારે વિલિયમસને 159ની ઇનિંગ્સમાં 7,000 રન પૂરા કર્યા છે. વિરાટે 161 ઇનિંગ્સમાં અને ડિવિલિયર્સે 166 ઇનિંગ્સમાં 7,000 રન કર્યા હતા.

આપણ વાંચો: વિલિયમસન, સાઉધીની 100મી મૅચનું સેલિબ્રેશન બગડ્યું: ઑસ્ટ્રેલિયાએવ્હાઇટ-વૉશ કર્યો

સાઉથ આફ્રિકાએ બૅટિંગ મળ્યા પછી નવા ઓપનર મૅથ્યૂ બ્રિત્ઝકી (150 રન, 148 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) તેમ જ વિઆન મુલ્ડેર (64 રન, 60 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની ઇનિંગ્સની મદદથી છ વિકેટે 304 રન બનાવ્યા હતા. કિવી ફાસ્ટ બોલર્સ મૅટ હેન્રી અને વિલ ઓરુરકેએ બે-બે વિકેટ લીધી હતી.

કિવી બૅટર્સ ડેવૉન કૉન્વે (97 રન, 107 બૉલ, એક સિક્સર, નવ ફોર) અને કેન વિલિયમસન નવેમ્બર, 2023ના વન-ડે વર્લ્ડ કપ પછી ફરી વન-ડે રમવા આવ્યા છે. તેમની વચ્ચે ગઈ કાલે બીજી વિકેટ માટે 187 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી.

ન્યૂ ઝીલૅન્ડે 305 રનનો લક્ષ્યાંક 48.4 ઓવરમાં ચાર વિકેટે 308 રનના સ્કોર સાથે હાંસલ કરી લીધો હતો અને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. પાકિસ્તાન સામેની ત્રણ દિવસ પહેલાંની મૅચનો હીરો ગ્લેન ફિલિપ્સ 28 રને અણનમ રહ્યો હતો. કિવીઓને 21 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. સાઉથ આફ્રિકાના સાત બોલરમાંથી ભારતીય મૂળના સ્પિનર સેનુરન મુથુસામીને સૌથી વધુ બે વિકેટ મળી હતી.

આપણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડે રાચિનની ડબલ અને વિલિયમસનની બે સેન્ચુરીના જોરે વિજય મેળવ્યો

સાઉથ આફ્રિકાના લગભગ સાત મુખ્ય ખેલાડીઓ આ ત્રિકોણીય સ્પર્ધામાં નથી રમી રહ્યા. તેઓ હવે પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમતા જોવા મળશે.

ન્યૂ ઝીલૅન્ડ વર્તમાન ટ્રાયેન્ગ્યૂલરની ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે બુધવારે (આવતી કાલે) પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મૅચમાં વિજયી થનારી ટીમ ફાઇનલમાં પહોંચી જશે. શનિવારે પહેલી મૅચમાં ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનને 78 રનથી પરાજિત કર્યું હતું.

વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 7,000 રન કોના નામે?

(1) હાશિમ અમલા, સાઉથ આફ્રિકા, 150 ઇનિંગ્સમાં
(2) કેન વિલિયમસન, ન્યૂ ઝીલૅન્ડ, 159 ઇનિંગ્સમાં
(3) વિરાટ કોહલી, ભારત, 161 ઇનિંગ્સમાં
(4) એબી ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકા, 166 ઇનિંગ્સમાં
(5) સૌરવ ગાંગુલી, ભારત, 174 ઇનિંગ્સમાં
(6) રોહિત શર્મા, ભારત, 181 ઇનિંગ્સમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button