સ્પોર્ટસ

જોહનિસબર્ગના 2018ના ટી-20 મુકાબલા પછી કેટલી બદલાઈ ગઈ છે ટીમ ઇન્ડિયા? છ વર્ષમાં નવ ખેલાડીની થઈ છુટ્ટી

જોહનિસબર્ગઃ ભારતીય ટીમનો સાઉથ આફ્રિકા ખાતેનો પ્રવાસ પૂરો થવાની તૈયારીમાં છે. ચાર મૅચની ટી-20 સિરીઝમાં ભારત 2-1થી આગળ છે અને હવે આ શ્રેણી હારી શકે એમ નથી. આજ (રાત્રે 8.30 વાગ્યાથી)ની છેલ્લી ટી-20 પૂરી થવાની સાથે ભારતીય ટીમ ફરી એકવાર જોહનિસબર્ગ શહેરને ગુડબાય કરશે.

જોકે વિદાય લેતાં પહેલાં ટીમ ઇન્ડિયા આ શહેરના મેદાન પર પોતાની કેવી છાપ પાડી જશે એ જોવાનું છે, કારણકે અહીંનું વૉન્ડરર્સ સ્ટેડિયમ ભારત માટે નસીબવંતુ રહ્યું છે.

હળવા વરસાદના વાતાવરણમાં ભારત છેલ્લી ટી-20 જીતવાની સાથે 3-1થી ટ્રોફી પર કબજો કરી શકશે, જ્યારે સાઉથ આફ્રિકા 2-2ની બરાબરીની તલાશમાં છે.

જોહનિસબર્ગનું મેદાન ટીમ ઇન્ડિયા માટે ભાગ્યશાળી છે. એમએસ ધોનીના સુકાનમાં 2007માં ભારતે આ જ મેદાન પર પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને પ્રથમ ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું હતું.

આપણ વાંચો: વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો

જોહનિસબર્ગમાં ભારત અત્યાર સુધીમાં કુલ છ ટી-20 મૅચ રમ્યું છે જેમાંથી ચાર જીત્યું છે અને બે હાર્યું છે. છેલ્લે ડિસેમ્બર, 2023માં ભારતે અહીં સાઉથ આફ્રિકાને 106 રનથી હરાવ્યું હતું. એમાં સૂર્યકુમાર યાદવે મૅચ-વિનિંગ 100 રન બનાવ્યા હતા. જોકે એ મૅચ સૂર્યકુમારના સુકાનમાં રમાઈ હતી. એ પહેલાં, છેક 2018માં ભારતીય ટીમ આ સ્થળે વિરાટ કોહલીના સુકાનમાં રમી હતી અને ત્યાર પછીના છ વર્ષમાં ટીમ ઇન્ડિયામાં મોટો બદલાવ આવ્યો છે.

2018ની જોહનિસબર્ગની ટી-20માં કોહલીની કૅપ્ટન્સીમાં ભારતે શિખર ધવનના 72 રન અને ભુવનેશ્વર કુમારની પાંચ વિકેટની મદદથી શાનદાર વિજય મેળવ્યો હતો. એમએસ ધોની એ મૅચમાં વિકેટકીપર-બૅટર હતો.

2018ની એ મૅચમાં કોહલી, ધોની, શિખર તથા ભુવનેશ્વર ઉપરાંત સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મનીષ પાન્ડે, યુઝવેન્દ્ર ચહલ તેમ જ જયદેવ ઉનડકટ જેવા જાણીતા ખેલાડીઓ પણ હતા. જોકે એ બધા ખેલાડીઓમાંથી એકમાત્ર હાર્દિક વર્તમાન ટી-20 ટીમમાં છે.

કોહલી અને રોહિત ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. ધોની અને રૈનાએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જ ગુડબાય કરી દીધી છે. પાન્ડે, ભુવનેશ્વર અને ચહલ ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર છે. 2018ની ટી-20 ટીમ ઇન્ડિયાનો બુમરાહ હાલમાં ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂરમાં ટેસ્ટ શ્રેણીમાં રમવાની તૈયારી કરી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button