ફૂટબૉલ મેદાન પરના ‘વિગ્રહ’માં ઇઝરાયલી ગોલકીપર સામે ઇરાની ખેલાડીનો ગોલ

મિલાન: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધના મંડાણ જાણે થઈ ચૂક્યા છે ત્યારે બીજી બાજુ ફૂટબૉલના મેદાન પર પણ બન્ને દેશના ખેલાડી વચ્ચેની આક્રોશભરી કટુતા જોવા મળી છે.
મંગળવારે અહીં ચૅમ્પિયન્સ લીગની મૅચમાં એક તરફ ગોલપોસ્ટની રક્ષા કરવા ઊભેલો ગોલકીપર ઇઝરાયલનો હતો અને પેનલ્ટી કિકમાં ગોલ કરવાની તૈયારીમાં હતો ઇરાનનો ફૂટબોલર. આ સામાસામીમાં ઇરાનનો પ્લેયર મેદાન મારી ગયો હતો. તે ગોલ કરવામાં સફળ રહ્યો હતો.
ઇન્ટર મિલાન વતી મેહદી તારેમીને પહેલી વાર ગોલ કરવાની તક મળી હતી અને એમાં તે સફળ રહ્યો હતો. રેડ સ્ટાર બેલગ્રેડ નામની હરીફ ટીમ વતી ગોલકીપર તરીકે ઑમરી ગ્લેઝર હતો.
આપણ વાંચો: લેબનોનની બહુમાળી ઈમારત પર ઇઝરાયલનો હવાઈ હૂમલો: હિઝબુલ્લાહનો ડ્રોન કમાંડર ઠાર મરાયાનો દાવો
હજી થોડા કલાકો પહેલાં જ ઇરાને ઇઝરાયલ પર સિલસિલાબંધ 200 જેટલી મિસાઇલો છોડી હતી અને આ તરફ મિલાનના મેદાન પર મેહદીએ ઇઝરાયલી ગોલકીપર ગ્લેઝરના કવચને ભેદીને ગોલ કરી દીધો હતો. મેહદીના આ ગોલ સહિત કુલ ચાર ગોલ સાથે ઇન્ટર મિલાને આ મૅચ 4-0થી જીતી લીધી હતી.
નવાઈ તો એ વાતની છે કે મેહદીને આ મૅચ પહેલાં ઇરાન-ઇઝરાયલ વચ્ચેના આરંભિક યુદ્ધની કોઈ જ વાત નહોતી કરવામાં આવી અને તેને મૅચ પર જ ફોકસ રાખવાનું કહેવામાં આવ્યું હતું.
મેહદીએ 81મી મિનિટના આ ગોલની પહેલાં 71મી મિનિટમાં લૉટેરો માર્ટિનેઝને ગોલ કરવામાં ઘણી મદદ કરી હતી.