શાહરૂખ ખાન નિશાના પર: બાંગ્લાદેશી ખેલાડીની ખરીદી મુદ્દે દેશભરમાં ભારે વિરોધ

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટનું મેદાન રાજકીય અખાડો બની ગયું હોય તેમ લાગે છે. કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાં ખરીદતા જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને જોતા, ભારતભરમાં અનેક સંગઠનો અને નેતાઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને રાજકીય મંચ સુધી શાહરૂખ ખાન પર તીખા પ્રહારો થઈ રહ્યા છે.
આ વિવાદમાં આધ્યાત્મિક ગુરુ દેવકીનંદન ઠાકુરની ચેતવણી બાદ હવે જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્ય અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાગેશ્વર ધામ) પણ મેદાનમાં ઉતર્યા છે. સ્વામી રામભદ્રાચાર્યે શાહરૂખ ખાનના પાત્ર પર સવાલ ઉઠાવતા આકરા શબ્દોનો પ્રયોગ કર્યો છે, જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બાંગ્લાદેશના ખેલાડીઓએ ત્યાંના હિન્દુઓની રક્ષા માટે અવાજ ઉઠાવવો જોઈએ. ભાજપના પૂર્વ ધારાસભ્ય સંગીત સોમે પણ શાહરૂખ ખાનની આકરી ટીકા કરી છે. જોકે, બીજી તરફ મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓએ વળતો જવાબ આપતા કહ્યું કે કોઈએ રાષ્ટ્રભક્તિના પ્રમાણપત્રો વહેંચવાનો ઠેકો લેવો જોઈએ નહીં.
મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને પણ દેવકીનંદન ઠાકુરના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પડોશી દેશમાં લઘુમતીઓ સુરક્ષિત ન હોય તો ત્યાંના ખેલાડીઓને ભારતમાં રમવાની તક ન મળવી જોઈએ. તેમણે આ અંગે લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને પત્ર લખવાની જાહેરાત કરી છે. પ્યારે ખાનનું માનવું છે કે બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાથી ત્યાંની સરકારને કડક સંદેશ જશે અને ભારતીય લોકોની સંવેદનાઓનું સન્માન જળવાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વણસતા રાજદ્વારી સંબંધો વચ્ચે પણ મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં રમશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. KKR એ તેને મિની ઓક્શનમાં 9.20 કરોડ રૂપિયાની માતબર રકમ આપીને ખરીદ્યો છે. હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશી ખેલાડીઓ પર કોઈ સત્તાવાર પ્રતિબંધ મૂક્યો નથી. બોર્ડ હાલમાં ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર તરફથી મળનારા નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.



