આજે બેંગલૂરુ-ચેન્નઈ મૅચની મજા કેમ બગડી શકે?
આરસીબી પ્લે-ઑફની નજીક, સીએસકે માત્ર ગૌરવ માટે રમશે: સાંજે 7:30 વાગ્યાથી જંગ

બેંગલૂરુ: આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં હંમેશાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મૅચ હાઈ-પ્રોફાઈલ રહી છે, પરંતુ આ વખતે સ્થિતિ સાવ અલગ છે. એક તો આજે બેંગલૂરુમાં વરસાદ પડવાની 70% સંભાવના છે અને બીજી વાત એ છે કે બંને ટીમના ચાહકોના મૂડ સાવ ભિન્ન હશે.
પ્રેક્ટિસ સેશન ખોરવાયું:
ગઈ કાલે બેંગ્લૂરુમાં વરસાદને લીધે ખેલાડીઓનું પ્રેક્ટિસ સેશન 40 મિનિટ સુધી ખોરવાઈ ગયું હતું.
આરસીબીની ટીમ પ્લે-ઑફમાં પહોંચવાની તૈયારીમાં છે, જ્યારે સીએસકેની ટીમ રેસની બહાર થઈ ગઈ છે. આઈપીએલ (IPL-2025)ની સૌથી વધુ બે લોકપ્રિય ટીમ આરસીબી અને સીએસકેની આવી વિરોધાભાસી સ્થિતિ આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નથી જોવા મળી. એક પણ ટાઇટલ ન જીતનાર આરસીબી આ વખતે દસમાંથી સાત મૅચ જીતીને 14 પોઇન્ટ સાથે ટીમોના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. પાંચ ટાઇટલ જીતનાર સીએસકે 10માંથી આઠ મૅચ હારીને માત્ર 4 પોઇન્ટ બદલ છેક છેલ્લા સ્થાને છે.
આરસીબીને નંબર-વન થવાનો મોકો:
આરસીબી આજે જીતીને 16 પોઇન્ટ સાથે મુંબઈ ઇન્ડિયન્સના સ્થાને નંબર વન થઈ શકે. જોકે સીએસકેના કરોડો ચાહકો પોતાની આ લાડકવાયી ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ જતા ગમગીન હાલતમાં હશે એમ છતાં આજે સીએસકે કટ્ટર હરીફ આરસીબીને હરાવીને ગૌરવ મેળવે એવી સીએસકેના ચાહકોની આશા હશે.
ચાહકોનો ઉત્સાહ ગાયબ:
સામાન્ય રીતે કોઈ ટીમના ખેલાડીઓ મૅચના આગલા દિવસે પ્રેક્ટિસ માટે હોટેલમાંથી ટીમની બસમાં બેસીને સ્ટેડિયમ પર આવે ત્યારે અસંખ્ય લોકો તેમને ઘેરી વળતા હોય છે. શનિવારે બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જ્યારે સીએસકેના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે આવ્યા ત્યારે આંગળીના વેઢે ગણાય એટલા જ લોકો તેમને જોવા માટે આવ્યા હતા.
જોકે આજની (સાંજે 7:30 વાગ્યાની) મૅચ માટેની ટિકિટો અઠવાડિયાઓ પહેલા વેચાઈ ગઈ હતી એટલે મોટા ભાગના લોકો આ મૅચ માણવા જરૂર આવશે.
ધોની-વિરાટ છેલ્લી વાર સામસામે:
બની શકે કે તેમને બેંગલૂરુના સ્ટેડિયમમાં એમએસ ધોની અને વિરાટ કોહલી આમને સામને રમતા હોય એવું કદાચ છેલ્લી વાર જોવા મળશે. કારણ એ છે કે ધોની આવતા વર્ષથી આઇપીએલ રમશે કે નહીં એમાં શંકા છે.
હેડ-ટુ-હેડમાં કોણ આગળ?:
બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મૅચ રમાય છે જેમાંથી 12 મૅચમાં આરસીબીનો અને 21 મૅચમાં સીએસકેનો વિજય થયો છે. એક મૅચ નિર્ણીત રહી છે. બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે મૅચ રમાશે અને આ મેદાન પર બેઉ ટીમ વચ્ચે કુલ 11 મૅચ રમાઈ છે જેમાંથી બંનેએ પાંચ-પાંચમાં જીત મેળવી છે. એક મૅચ અનિર્ણીત રહી છે.
બેંગ્લૂરુની પિચ અને હવામાન કેવા છે?
બેંગ્લૂરુમાં શુક્રવારે વરસાદ હતો અને આજે સાંજે સુસવાટા સાથે પવન ફૂંકાવાની તેમ જ વરસાદ પડવાની સંભાવના છે. તાપમાન 30 ટકા ડિગ્રી આસપાસ રહેશે. ત્રણ દિવસથી પિચને ઢાંકી રાખવામાં આવી છે. ખાસ કરીને આ પિચ પર બોલર્સને સારી મદદ મળશે એવી શક્યતા છે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ-ઇલેવન:
ચેન્નઈ: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન, વિકેટકીપર), શેખ રાશીદ, આયુષ મ્હાત્રે, સૅમ કરૅન, રવીન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હૂડા/ વિજય શંકર/વંશ બેદી, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહમદ. 12મો પ્લેયર: મથીશા પથિરાના.
બેંગલૂરુ: રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિક્કલ, જિતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, કુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવુડ, યશ દયાલ. 12મો પ્લેયર: સુયશ શર્મા.
આ પણ વાંચો…આઈપીએલની 50મી મૅચમાં નંબર-વન મુંબઈનો 100 અને 200ના આંકડાનો જાદુ, જાણો કેવી રીતે…