IPL 2025

કેમ અમારી પાસે હૈદરાબાદની મૅચની હજારો ટિકિટો માગી?: કાવ્યા મારનના ટીમ મૅનેજમેન્ટે કોની સામે આક્ષેપ કર્યો?

હૈદરાબાદઃ 2024ની આઇપીએલમાં એક પછી એક મૅચમાં ધમાકેદાર પર્ફોર્મ કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ આ વખતની ટૂર્નામેન્ટ (IPL 2025)ની પહેલી મૅચમાં 286 રનનો સેકન્ડ-બેસ્ટ સ્કોર નોંધાવ્યા પછી પાણીમાં બેસી ગઈ છે અને ઉપરાઉપરી બે મૅચ હારી ગઈ છે ત્યારે આ નાજુક સ્થિતિમાં આ ટીમની મૅચોને લઈને એવો વિવાદ જાગ્યો છે જેમાં ખુદ ટીમની માલિક કાવ્યા મારન (Kavya Maran)નું નામ સંકળાયેલું છે. મામલો હૈદરાબાદની મૅચની 3,900 ટિકિટોને લગતો છે.

વાત એવી છે કે સનરાઇઝર્સ હૈદરાબાદની મૅચોની ટિકિટોને લઈને મોટો વિવાદ થયો છે. આ વિવાદ એસઆરએચની માલિક કાવ્યા મારન અને હૈદરાબાદ ક્રિકેટ ઍસોસિયેશન (એચસીએ) વચ્ચેનો છે અને આ વિવાદ છેક બીસીસીઆઇ સુધી પહોંચી ગયો છે.

હૈદરાબાદની ટીમના મૅનેજમેન્ટે એવો આક્ષેપ કર્યો છે કે એચસીએના મેમ્બર્સે ગેરવર્તન કર્યું છે અને ઍસોસિયેશનના પ્રમુખ સતતપણે તેમની પાસે મૅચની ટિકિટો માગી રહ્યા છે. આ આક્ષેપો કરીને સનરાઇઝર્સે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પોતાની ટીમ મૅચ નહીં રમે એવી ધમકી પણ આપી છે.

આપણ વાંચો: આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા

સનરાઇઝર્સે આ સંબંધમાં બીસીસીઆઇને એક ઇમેઇલ પણ મોકલી છે તેમ જ આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલને જણાવ્યું છે કે એચસીએ દ્વારા તેમને (હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીને) બ્લૅકમેઇલ કરવામાં આવી રહ્યા છે.

જોકે હૈદરાબાદના ક્રિકેટ ઍસોસિયેશને સનરાઇઝર્સના મૅનેજમેન્ટને જૂઠ્ઠું ગણાવ્યું છે અને આ ટીમે જે આક્ષેપો કર્યા છે એને નકારી પણ કાઢ્યા છે. ઍસોસિયેશને અખબારી યાદીમાં જણાવ્યું છે કે `એચસીએના પ્રમુખ એ. જગન મોહન રાવે સનરાઇઝર્સ હૈદરાબાદની મૅચની 3,900 ટિકિટો અંગત રીતે ખરીદવાની કોઈ જ માગણી નથી કરી.

પચીસમી ફેબ્રુઆરીની મીટિંગમાં પ્રમુખે માત્ર ક્લબોના સેક્રેટરીઓ માટે ટિકિટો ઉપલબ્ધ કરાવવાનું સૂચન કર્યું હતું. એચસીએના પ્રમુખ સામે ખોટા આક્ષેપો કરીને એસઆરએચના અધિકારીઓએ સારું નથી કર્યું. અમે એસઆરએચના અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે મડાગાંઠ ઉકેલવા ખુલ્લા મનથી આગળ આવો.’

આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…

આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે એચસીએના મેમ્બર્સે આઇપીએલની મૅચોના વધુ કૉમ્પ્લીમેન્ટરી પાસ આપવાની કહેવાતી ધમકી સાથે કથિત માગણી કરી હતી.

કહેવાય છે કે હૈદરાબાદની લખનઊ સામેની મૅચ દરમ્યાન ઍસોસિયેશનના અધિકારીઓએ સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટેનું એક બૉક્સ બંધ કરી દીધું હતું જેને કારણે એસઆરએચના અધિકારીઓ વધુ ગુસ્સે થયા હતા.

હૈદરાબાદમાં સનરાઇઝર્સની હવે પછી છઠ્ઠી એપ્રિલે મૅચ છે. રવિવારની એ મૅચ ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે રમાશે. ટિકિટોને લગતો વિવાદ એ પહેલાં ઉકેલાઈ જશે કે વિવાદ વકરી જશે એ જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button