પ્રીટિ ઝિન્ટાએ જ્યારે ખૂબ ઠેકડા માર્યા અને પછી રડી પડી…

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): પંજાબ કિંગ્સ (PBKS)એ ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અણધાર્યો વિજય મેળવ્યો અને એ જીત સાથે આઇપીએલ (IPL)માં નવો વિક્રમ પણ સ્થાપિત કર્યો એ જોઈને પંજાબની ટીમની સહ-માલિક પ્રીટિ ઝિન્ટા ટીમના ડગઆઉટમાં બેહદ ખુશ થઈ ગઈ હતી, ખૂબ ઠેકડા મારવા લાગી હતી, આનંદના આવેશમાં આવી ગઈ હતી અને પછી ભાવુક થઈને રડી (Crying) પડી હતી.
પંજાબે ખરેખર, વિજય જ એવો મેળવ્યો હતો. પહેલાં તો શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબની ટીમ માત્ર 111 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી એટલે એનો પરાજય લગભગ નિશ્ચિત જ હતો.
આપણ વાંચો: LSG vs PBKS: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, આ ઘાતક બોલર PBKS માટે ડેબ્યુ કરશે
જોકે કોલકાતાની ટીમે 112 રનના નીચા લક્ષ્યાંક સામે ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ એક તબક્કે જ્યારે 62 રનમાં એની માત્ર બે વિકેટ પડી હતી એટલે કોલકાતાને જીતવાનો પૂરો મોકો હતો. અજિંક્ય રહાણે (17 બૉલમાં 17 રન)એ એલબીડબ્લ્યૂ ન હોવા છતાં આઉટ અપાયા બાદ ડીઆરએસ ન લેવાનો ભૂલભરેલો નિર્ણય લીધો અને પૅવિલિયનમાં પાછો આવી ગયો.
બીજું, તેણે ખોટો શૉટ મારવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી હોવાનું કબૂલીને પરાજય બદલ પોતાને જવાબદાર ગણાવ્યો હતો. કોલકાતાની ટીમમાં 16મી ઓવર માર્કો યેનસેનની હતી જેના પહેલા જ બૉલમાં તેણે મોસ્ટ ડૅન્જરસ બૅટ્સમૅન આન્દ્રે રસેલ (11 બૉલમાં 17 રન)ને ક્લીન બોલ્ડ કર્યો એ સાથે જ કોલકાતાની ટીમ માત્ર 95 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં પંજાબનો 16 રનથી ચમત્કારિક વિજય થયો હતો.
આ વિજય મળતાં જ પ્રીટિ ઝિન્ટા વારંવાર કૂદી હતી અને આજુબાજુ ઊભેલી ખેલાડીઓની પત્ની, ગર્લફ્રેન્ડ તેમ જ પંજાબની ચાહકો સાથે જીત સેલિબ્રેટ કરી હતી.
પંજાબના ફ્રૅન્ચાઇઝીએ 18 કરોડ રૂપિયામાં ખરીદેલા યુઝવેન્દ્ર ચહલ (4-0-28-4) આ મૅચનો સુપર હીરો હતો. પ્રીટિ ઝિન્ટા અન્ય ખેલાડીઓ ઉપરાંત તેને પણ ભેટી હતી અને વિજયનું શાનદાર સેલિબ્રેશન કર્યું હતું.