વિરાટ સામે બોલ ફેંકતા પહેલા સિરાજ ઈમોશનલ થઇ ગયો હતો! જાણો મેચ પછી સિરાજે શું કહ્યું

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 14મી મેચ ગઈ કાલે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ હારીને RCB પહેલા બેટીગ કરવા ઉતરી હતી. આ દરમિયાન GT તરફથી પહેલી ઓવર ફેંકવા આવેલો મોહમ્મદ સિરાજ ભાવુક થઇ ગયો હતો.
RCB તરફથી ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી ઓપનીંગ કરવા મેદાને આવ્યા, જ્યારે GT તરફથી પહેલી ઓવર ફેંકવા મોહમ્મદ સિરાજ આવ્યો.
આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન
પહેલા બોલ પર ફિલ સોલ્ટે સિંગલ લીધો ત્યાર બાદ વિરાટ કોહલી સ્ટ્રાઈક પર આવ્યો, સ્ટેડિયમમાં હાજર દર્શકો ‘કોહલી…કોહલી…’ની બુમો પાડી રહ્યા હતાં. ઓવરનો બીજો બોલ ફેંકવા સિરાજે રન અપ શરુ કર્યું પણ અધવચ્ચે રન અપ છોડી દીધું અને બોલ ના ફેંક્યો. ત્યાર બાદ સિરાજે ફેંકેલા બોલર પર વિરાટે ફોર ફટકારી.
ઘણી વાર એવું બનતું હોય છે કે ફાસ્ટ બોલર રન અપ શરુ કર્યા બાદ બોલ ફેંકવાનું ટાળે છે, જે સામાન્ય બાબત છે. પરંતુ, આ પ્રસંગે સિરાજ સાથે લાગણીઓ જોડાયેલી હતી, કેમ કે 7 વર્ષ સુધી તે RCBનો ભાગ રહ્યો હતો, જ્યારે આ વખતે ગુજરાત ટાઇટન્સ માટે રમી રહ્યો છે. આ ઉપરાંત આ વખતે તેની સામે વિરાટ કોહલી પણ હતો.
એક ટીમ માટે આટલા લાંબા સમય સુધી રમ્યા પછી કોઈપણ ખેલાડી માટે તે જ ટીમ સામે રમવું ખૂબ મુશ્કેલ બની શકે છે. ઈન્ટરનેટ પર ચાલી રહેલી ચર્ચા મુજબ સિરાજ ભાવુક થઇ જવાને કારણે બોલ ફેંકી શક્યો ન હતો. જોકે ત્યાર બાદ તેણે ધારદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને RCBની ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી, જેમાં સોલ્ટ, પડિકલ અને લિવિંગસ્ટોનની વિકેટનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…
સિરાજે શું કહ્યું?
સિરાજને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ લેવા આવેલા સિરાજે કહ્યું કે મેચ પહેલા તે ખૂબ જ ભાવુક હતો કારણ કે 7 વર્ષ પછી ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રેડ ને બદલે બ્લુ જર્સીમાં રમી રહ્યો હતો.
સિરાજે કહ્યું, “હું થોડો ભાવુક હતો. હું અહીં (RCBમાં) 7 વર્ષ રહ્યો, મેં રેડને બદલે બ્લુ જર્સી પહેરી, જેને કારણે થોડો ભાવુક થઇ ગયો હતો, પરંતુ એકવાર મને બોલ મળ્યો ત્યાર બાદ હું એકદમ તૈયાર થઇ ગયો હતો. બ્રેક દરમિયાન મેં મારી ભૂલો સુધારી અને મારી ફિટનેસ પર કામ કર્યું.”
તેણે કહ્યું “ગુજરાત ટાઇટન્સે મારી પસંદગી કર્યા પછી, મેં આશિષ ભાઈ (આશિષ નેહરા) સાથે વાત કરી. તેમણે મને મારી બોલિંગનો આનંદ માણવાનું કહ્યું અને ઇશુ (ઇશાંત શર્મા) ભાઈએ મને કહ્યું કે કઈ લાઇન અને લેન્થ પર બોલિંગ કરવી.”