બેંગલૂરુને હવે આજે હોમ-ગ્રાઉન્ડ પર જીતવું જ છે, પણ…

બેંગલૂરુ: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) બેંગ્લૂરુમાં આ વખતની આઇપીએલ (IPL)ની વધુ એક રોમાંચક અને રસાકસીભરી બની શકે એવી મૅચ રમાશે. જોકે આરસીબી સામે આજે કેટલાક મોટા પડકારો છે.
આરસીબીની ટીમ આ વખતે હોમ-ગ્રાઉન્ડ બેંગ્લૂરુ (BENGALURU)માં એક પણ મૅચ નથી જીતી શકી. બેંગલૂરુમાં જે બે મૅચ રમાઈ છે એ બંનેમાં આરસીબીનો અનુક્રમે ગુજરાત અને દિલ્હી સામે પરાજય થયો છે. બીજું, આ વખતે આરસીબી બેંગ્લૂરુમાં બંને મૅચમાં પ્રથમ બૅટિંગમાં 170થી વધુ રન નથી કરી શકી.
રજત પાટીદારના સુકાનમાં આરસીબી માટે બીજો એક મોટો પડકાર એ છે કે પંજાબનો ઇન્ફોર્મ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે બેંગલૂરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઘણી રીતે નસીબવંતુ છે એટલે તે આજે પોતાની જ આ ભૂતપૂર્વ ટીમ (આરસીબી)ને ભારે પડી શકે.
બેંગલૂરુના મેદાન પર ચહલ કિંગ
મંગળવારે કોલકાતા સામેની મૅચમાં 28 રનમાં ચાર વિકેટ લઈને પંજાબને ઐતિહાસિક વિજય અપાવનાર ચહલ બેંગલૂરુના મેદાન પર આઇપીએલના ઇતિહાસમાં તમામ બોલર્સમાં સૌથી વધુ બાવન વિકેટ લઈ ચૂક્યો છે. મોહમ્મદ સિરાજ 29 વિકેટ સામે બીજા નંબરે અને (તાજેતરમાં જ પહેલી વખત પિતા બનેલો) ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન 28 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.
આ પણ વાંચો: રાજસ્થાને સુપરઓવરમાં ભૂલ કરી? બિશપ અને પુજારાનું માનવું છે કે…
મંગળવારે ચહલની ચાર વિકેટની મદદથી પંજાબે 111 રનનો સ્કોર ડિફેન્ડ કરીને આઈપીએલની ટીમોમાં સૌથી ઓછું ટોટલ ડિફેન્ડ કરનારી ટીમોમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
હેડ-ટુ-હેડમાં કોણ ચડિયાતું?
(1) આઇપીએલના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે કુલ 33 મૅચ રમાઈ છે જેમાંથી 17 પંજાબે અને 16 બેંગલૂરુએ જીતી છે.
(2) છેલ્લે બંને ટીમ વચ્ચે મે, 2024માં મૅચ રમાઈ હતી જેમાં બેંગલૂરુએ પંજાબને 60 રનથી હરાવ્યું હતું.
(3) એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બારમાંથી સાત મૅચમાં બેંગલૂરુનો અને પાંચ મૅચમાં પંજાબનો વિજય થયો છે.
(4) એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની ટીમ 102માંથી 48 મૅચ જીતી છે અને 49 હારી છે. એક મૅચ ટાઈ થઈ છે. બાકીની મૅચ અનિર્ણીત રહી છે.
(5) એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 287/3નો (સનરાઇઝર્સ હૈદરાબાદ, એપ્રિલ 2024માં)નો સ્કોર સર્વોચ્ચ રહ્યો છે. જે આઈપીએલનો વિક્રમ પણ છે.
(6) એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના 1,030 રન તમામ બૅટ્સમેનમાં હાઈએસ્ટ છે. અહીં તેનો સરેરાશ સ્ટ્રાઈક-રેટ 133.76 રહ્યો છે.
(7) આ ગ્રાઉન્ડ પર સૌથી વધુ વિકેટ યુઝવેન્દ્ર ચહલે (25 વિકેટ) લીધી છે. હર્ષલ પટેલ 16 વિકેટ સાથે બીજા નંબરે છે.
બંને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
બેંગલૂરુ: રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકકલ, લિયામ લિવિંગસ્ટન, જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ભુવનેશ્વરકુમાર, જૉશ હેઝલવુડ, અને યશ દયાલ. 12મો પ્લેયર: સુયશ શર્મા.
પંજાબ: શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જૉશ ઇંગ્લિસ, નેહલ વઢેરા, ગ્લેન મેક્સવેલ/ માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, માર્કો યેનસેન, યુઝવેન્દ્ર ચહલ, ઝેવિયર બાર્ટલેટ, અને અર્શદીપ સિંહ. 12મો પ્લેયર: સુર્યાંશ શેડગે.