દિલ્હી હૅટ-ટ્રિક રનઆઉટના આઘાતમાંથી આજે બહાર આવીને રમશે તો રાજસ્થાનની હૅટ-ટ્રિક હાર નક્કી

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) આઈપીએલ (IPL-2025)ની 32મી મૅચમાં જંગ છે. દિલ્હીની ટીમ પહેલી ચારેય મૅચ જીતી હતી, પણ રવિવાર, 13મી એપ્રિલે ઘરઆંગણે (અરુણ જેટલી સ્ટેડિયમમાં) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામેના શૉકિંગ પરાજયથી અક્ષર પટેલની ટીમ આઘાતમાં હશે જ.
એ મૅચમાં દિલ્હીની ટીમ વિજયની લગોલગ આવી ગઈ હતી, પણ છેલ્લા ત્રણેય બૅટ્સમેન ઉપરાઉપરી ત્રણ બૉલમાં રનઆઉટ થઈ ગયા અને દિલ્હીનો આ વખતે પહેલો પરાજય થયો હતો.
સંજુ સૅમસનના સુકાનમાં રાજસ્થાનની ટીમ અગાઉની બન્ને મૅચ હારીને દિલ્હી આવી છે. નવમી એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે રાજસ્થાનનો 58 રનથી અને 13મી એપ્રિલે જયપુરના હોમ-ગ્રાઉન્ડ પર રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) સામે નવ વિકેટે પરાજય થયો હતો. હવે આજે રાજસ્થાને દિલ્હી સામે હારી જતાં પરાજયની હૅટ-ટ્રિક ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે.
આપણ વાંચો: મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…
બીજું, દિલ્હીને એના ગઢમાં રાજસ્થાન 10 વર્ષથી નથી હરાવી શક્યું એટલે આજે એ મહેણું ભાંગવાનો સૅમસનની ટીમને મોકો છે.
હેડ-ટુ-હેડમાં કોણ આગળ?
બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 મૅચ રમાઈ છે જેમાંથી 15 મૅચમાં રાજસ્થાનનો અને 14 મૅચમાં દિલ્હીનો વિજય થયો છે.
રાજસ્થાનનો હાર-જીતનો વારો
રાજસ્થાન રૉયલ્સની ટીમ આ વખતે પહેલી બે મૅચ હારી હતી. ત્યાર બાદ બે મૅચમાં એનો વિજય થયો હતો અને પછીની બે મૅચમાં ફરી રાજસ્થાનની હાર થઈ હતી. હવે એ સિલસિલો ચાલુ રહેવાનો હોય તો આજથી રાજસ્થાને ફરી જીતવાનું શરૂ કરવાનું છે. જોકે યાદ રહે, તેમણે આજે દિલ્હીના ગઢમાં જીતવાનું છે. સૅમસનની ટીમે એ પણ યાદ રાખવાનું છે કે દિલ્હીની ટીમમાં કરુણ નાયરનું આગમન થઈ ગયું છે. રવિવારે તેણે આ ટીમ વતી પહેલી જ મૅચમાં 40 બૉલમાં 89 રન ફટકાર્યા હતા. જોકે છેલ્લે રનઆઉટની હૅટ-ટ્રિક થતાં દિલ્હીનો શૉકિંગ પરાજય થયો હતો અને કરુણ નાયરની બધી મહેનત પાણીમાં ગઈ હતી.
આપણ વાંચો: દિલ્હી કૅપિટલ્સની રનર-અપ ખેલાડીઓ ફાઇનલ હાર્યા બાદ ડિનર માટે જમીન પર જ ગોઠવાઈ ગઈ
યશસ્વીની વિકેટ પર પહેલાં કોની નજર?
યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને સતત સારું સ્ટાર્ટ નથી આપ્યું. છ મૅચમાં તેની બે હાફ સેન્ચુરી છે, પરંતુ બાકીની ચાર મૅચમાં તેના સ્કોર આ મુજબ રહ્યા છેઃ એક રન, 29 રન, ચાર રન અને છ રન. મુદ્દાની વાત એ છે કે યશસ્વીને દિલ્હી કૅપિટલ્સનો પેસ બોલર મુકેશ કુમાર બે વાર આઉટ કરી ચૂક્યો છે. યશસ્વી બે મૅચમાં મુકેશની બોલિંગમાં માત્ર સાત રન કરી શક્યો છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ફાફ ડુ પ્લેસી/જેક ફ્રેઝર-મૅકગર્ક, કરુણ નાયર, અભિષેક પોરેલ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મિચલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા. 12મો પ્લેયરઃ મુકેશ કુમાર. રાજસ્થાનઃ સંજુ સૅમસન (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર, વનિન્દુ હેટમાયર, જોફ્રા આર્ચર, માહીશ થિકશાના, તુષાર દેશપાંડે/આકાશ મઢવાલ, સંદીપ શર્મા. 12મો પ્લેયરઃ કુમાર કાર્તિકેય.
આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?
ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
ગુજરાત 6 4 2 8 +1.081
દિલ્હી 5 4 1 8 +0.899
બેંગલૂરુ 6 4 2 8 +0.672
પંજાબ 6 4 2 8 +0.172
લખનઊ 7 4 3 8 +0.086
કોલકાતા 7 3 4 6 +0.547
મુંબઈ 6 2 4 4 +0.104
રાજસ્થાન 6 2 4 4 -0.838
હૈદરાબાદ 6 2 4 4 -1.245
ચેન્નઈ 7 2 5 4 -1.276
(તમામ આંકડા મંગળવારની પંજાબ-કોલકાતા મૅચના અંત સુધીના છે)