અશ્વની કુમાર ઑટોમાં જવા 30 રૂપિયા ઉધાર લેતો, હવે 30 લાખ રૂપિયામાં એમઆઇને જિતાડી રહ્યો છે!
એમઆઇના મૅચ-વિનરને મિત્રો બૉલ ખરીદી આપતા હતા, હવે ખુદ તેણે બૉલ ખરીદીને ગામના બાળકોમાં વહેંચ્યા

મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr) સામે ડેબ્યૂ મૅચમાં માત્ર ત્રણ ઓવરમાં 24 રનના ખર્ચે ચાર વિકેટ લઈને આઇપીએલ (IPL)માં ભારત માટે નવો વિક્રમ રચનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો 24 વર્ષનો લેફ્ટ-આર્મ પેસ બોલર અશ્વની કુમાર ખૂબ સંઘર્ષ કરીને આ સ્તર સુધી પહોંચ્યો છે. એક સમય હતો જ્યારે અશ્વની ઑટોરિક્ષા માટે 30 રૂપિયા ઉધાર લેતો હતો.
એક તરફ એમઆઇના જ કેરળવાસી યુવાન સ્પિનર વિજ્ઞેશ પુથુરના સંઘર્ષભર્યા જીવનની વાત થઈ રહી છે ત્યારે હવે સોમવારના મૅન ઑફ ધ મૅચ અશ્વની (3-0-24-4)ના અંગત જીવનમાં પણ ડોકિયું કરવાનો સમય આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે કેરળના વિજ્ઞેશ પુથુરના પિતા ઑટોરિક્ષા ચલાવે છે.
ફરી અશ્વનીની વાત પર આવીએ તો તેના પિતા હરકેશ કુમારે એક મુલાકાતમાં જણાવ્યું છે કે મારો દીકરો ક્રિકેટની રમત પ્રત્યે સમર્પિત છે. તે પોતાનું હુન્નર બતાવવા માટે કોઈ કસર બાકી નથી રાખતો. વરસાદ હોય કે અસહ્ય ગરમી, તે ટ્રેઇનિંગમાં જવાનું ક્યારેય નથી ચૂકતો. મોહાલી (Mohali)ના પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનમાં તાલીમ-પ્રૅક્ટિસ હોય કે મુલ્લાંપુરના નવા સ્ટેડિયમમાં, અશ્વની ત્યાં સમયસર પહોંચી જવાનું ક્યારેય નથી ચૂકતો.
આપણ વાંચો: દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…
ક્યારેક તે સાઇકલ પર પીસીએની ઍકેડેમીમાં જતો હતો અને ક્યારેક શૅરિંગ ઑટોરિક્ષામાં બેસીને પણ ત્યાં પહોંચી જતો હતો.' હરકેશ કુમારે પુત્ર અશ્વની કુમાર વિશે વધુમાં કહ્યું,
મને યાદ છે, તે ઑટોરિક્ષામાં જવા મારી પાસે 30 રૂપિયા લેતો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો ત્યારે મને થયું કે તેનો એક-એક પૈસો કીમતી છે. હવે તેની પ્રત્યેક વિકેટ બાદ હું તેના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરી લઉં છું. મને યાદ છે, તે ટ્રેઇનિંગ કરીને રાત્રે 10.00 વાગ્યે ઘરે પાછો આવતો હતો અને સવારે પાંચ વાગ્યે ઉઠીને પાછો તાલીમ લેવા જતો રહેતો હતો.’
એમઆઇનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ તેમ જ ઑસ્ટ્રેલિયાના ટોચના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને આ વખતે આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમતા મિચલ સ્ટાર્ક સોમવારના મૅચ-વિનર અશ્વની કુમારના રૉલ મૉડેલ છે.
આપણ વાંચો: જાણી લો, મુંબઈ ઇન્ડિયન્સે દરેક સીઝનમાં જીતવાનું ક્યારે શરૂ કર્યું…
અશ્વનીના મોટા ભાઈ શિવ રાણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, `અશ્વની હંમેશાં બુમરાહ અને સ્ટાર્ક જેવો બોલર બનવા માગે છે. એક સમય હતો જ્યારે અશ્વની માટે તેના મિત્રો બૉલ ખરીદવા માટે પૈસા એકઠાં કરતા હતા અને તેને બૉલ લઈ આપતા હતા.
હવે એમઆઇ દ્વારા 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો ત્યારે મારા ભાઈએ સૌથી પહેલાં અમારા ગામની નજીકની ક્રિકેટ ઍકેડેમીઓમાં ક્રિકેટ કિટ અને બૉલ વહેંચ્યા હતા. તે મને હંમેશાં કહેતો હોય છે કે એક દિવસ એવો આવશે જ્યારે અમારા ગામના બાળકો તેના નામવાળી જર્સી પહેરશે. સોમવારના તેના પર્ફોર્મન્સ પરથી અમને તેની એ વાત સાચી પડશે એવું લાગી રહ્યું છે.’