IPL 2025

સૂર્યકુમારે સચિનનો રેકૉર્ડ તોડ્યો, મુંબઈના સાત વિકેટે 184 રન

જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામે બૅટિંગ મળ્યા પછી સૂર્યકુમાર યાદવ (57 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ ચાર બૅટ્સમેનના 20-પ્લસ રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરીને પંજાબને 185 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. સૂર્યકુમારે આઇપીએલ (IPL-2025)ની એક સીઝનમાં સૌથી વધુ રન કરવાનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો હતો.

સચિને 2009-’10ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી 618 રન કર્યા હતા. સૂર્યકુમાર (SURYAKUMAR YADAV)ના નામે અત્યારે 640 રન છે.

બન્ને ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે, પરંતુ ટૉપ-ટૂમાં જવા માટે બન્ને વચ્ચે હરીફાઈ છે અને એમાં મુંબઈની અસરદાર બોલિંગ જોતાં પંજાબને 185 રનનો ટાર્ગેટ સંઘર્ષ કરાવી શકે.

રાયન રિકલ્ટન (27 રન, 20 બૉલ, પાંચ ફોર) અને રોહિત શર્મા (24 રન, 21 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે 5.1 ઓવરમાં 45 રનની સાધારણ ભાગીદારી થયા બાદ રિકલ્ટન, રોહિત અને તિલક વર્મા (એક રન)ની વિકેટો પડી જતાં મુંબઈની ટીમ 87/3ના સ્કોર સાથે થોડી મુસીબતમાં આવી ગઈ હતી.

ઑલરાઉન્ડર વિલ જૅક્સ (17 રન) પણ સસ્તામાં આઉટ થયો હતો, પણ કૅપ્ટન હાર્દિક પંડ્યા (26 રન, 15 બૉલ, બે સિક્સર, બે ફોર)ની ટૂંકી છતાં આક્રમક ઇનિંગ્સ સાથે મુંબઈના સ્કોરમાં સાધારણ યોગદાન આપ્યું હતું. નમન ધીરે (20 રન, 12 બૉલ, બે સિક્સર) પણ થોડી આતશબાજી કરી દેખાડી હતી.

સૂર્યકુમાર અને હાર્દિક વચ્ચે 44 રનની અને સૂર્યકુમાર-ધીર વચ્ચે 31 રનની ભાગીદારી થઈ હતી જેને લીધે મુંબઈની ટીમ સન્માનજનક સ્થિતિમાં આવી હતી.

આ પણ વાંચો…કેપ્ટન કૂલની કમાલ: ‘થાલા’ ધોનીએ આ રીતે શુભમન ગિલને જાળમાં ફસાવ્યો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button