IPL 2025

રિયાન પરાગે 6,6,6,6,6,6ના વિક્રમ પછીની ઘોર નિરાશામાં કહ્યું કે…

કોલકાતા: આઈપીએલના પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી આઉટ થઈ ચૂકેલી રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમનો કાર્યવાહક કેપ્ટન રિયાન પરાગ (95 રન, 45 બૉલ, આઠ સિક્સર, છ ફોર) રવિવારે આઈપીએલમાં નવો ઇતિહાસ રચવા છતાં નિરાશ હતો. કારણ એ હતું કે તે પોતાની વિકેટ વિશે ખૂબ નારાજ હતો અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે રાજસ્થાનને વિજય નહોતો અપાવી શક્યો.

રિયાને મૅચ પછી કહ્યું હતું કે ‘ હું મારી વિકેટ વિશે ખૂબ હતાશ છું. 16મી અને 17મી ઓવરમાં ખાસ કંઈ રન નહોતા થઈ શક્યા એટલે હું છેલ્લી ઓવર સુધી ક્રીઝ પર ટકી રહેવા મક્કમ હતો. એટલે જ મેં મોઇન અલીની 18મી ઓવરમાં જોરદાર ફટકાબાજી કરી હતી. જોકે મેં જરાક ખોટી ગણતરી કરી અને વિકેટ ગુમાવી બેઠો. મારે ગમે તેમ કરીને મૅચ ફિનિશ કરવી જોઈતી જ હતી.’

Image source: BCCI

રિયાને ગેઈલ, પૉલાર્ડ, રિન્કુનો રેકોર્ડ તોડ્યો:

રિયાન પરાગ (RIYAN PARAG) રવિવારે આઈપીએલ (IPL)ની એક ઈનિંગ્સમાં સતત છ બૉલમાં છ (એક ઓવરના છ બૉલમાં નહીં) છ સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની આ છ સિક્સર ફક્ત એક બોલરની એક ઓવરમાં જ નહોતી પરંતુ તેણે ઉપરાઉપરી છ બૉલમાં છ છગ્ગા માર્યા હતા. એક મૅચમાં સતત છ બૉલમાં છ સિક્સર ફટકારનાર તે આઇપીએલનો પહેલો જ ખેલાડી બન્યો હતો. લાગલગાટ પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારી ચૂકેલા ક્રિસ ગેઈલ, કિરૉન પૉલાર્ડ અને રિન્કુ સિંહનો રેકોર્ડ રિયાન પરાગે રવિવારે છ છગ્ગાથી તોડ્યો હતો.

સતત છ સિક્સર કેવી રીતે?:

રિયાન પરાગે રવિવારે પહેલાં તો કોલકાતાના સ્પિનર મોઇન અલીના સતત પાંચ બૉલમાં પાંચ સિક્સર (6, 6,, 6, 6, વાઇડ, 6) ફટકારી હતી અને એ ઓવર બાદ વરુણ ચક્રવર્તીની ઓવરમાં પોતાના પહેલા જ બૉલમાં છગ્ગો ફટકારીને લાગલગાટ છ છગ્ગાનો વિક્રમ રચ્યો હતો. રિયાન આ છ છગ્ગાની મદદથી 45 રન પરથી 81 રન પર પહોંચી ગયો હતો. જોકે તે પોતાના 95 રનના સ્કોર પર હર્ષિત રાણાના બૉલમાં સીધા શૉટમાં વૈભવ અરોરાને આસાન કૅચ આપી બેઠો હતો. પોતે આઉટ થતાં જ રિયાન નિરાશ હાલતમાં પાછો આવ્યો હતો.

રાજસ્થાને જીતવા માટે 207 રન કરવાના હતા પરંતુ રિયાન 17.4 ઓવર વખતે આઉટ થયો અને ફક્ત પાંચ રન માટે પહેલી સેન્ચુરી ચૂકી ગયો ત્યારે રાજસ્થાનનો સ્કોર સાત વિકેટે 173 રન હતો અને ત્યારે રાજસ્થાને બાકીના 16 બૉલમાં 34 રન કરવાના હતા.

છેલ્લી ઓવરમાં શુભમ દુબેએ પણ આશા અપાવી:

રિયાનની વિકેટ બાદ શુભમ દુબે (પચીસ અણનમ, 14 બૉલ, બે સિક્સર, એક ફોર) સાથે જોફ્રા આર્ચર જોડાયો હતો.
જોકે શુભમ અને જોફ્રા જોડીમાં રિયાનની વિકેટ પછીના સાત બૉલમાં ફક્ત ૧૨ રન કરી શક્યા હતા. 20મી (છેલ્લી) ઓવરમાં પંજાબે 22 રન કરવાના આવ્યા હતા જે મુશ્કેલ હતા પરંતુ અસંભવ પણ નહોતા. કેકેઆરના કેપ્ટન અજિંકય રહાણેએ 20મી ઓવરની જવાબદારી વૈભવ અરોરાને સોંપી હતી. જોફ્રા એ નિર્ણાયક ઓવરના પહેલા બે બૉલમાં ફક્ત ત્રણ રન કરી શક્યો હતો. ત્યાર પછી શુભમે બાજી હાથમાં લીધી હતી.

શુભમે ત્રીજા, ચોથા અને પાંચમાં બૉલમાં અનુક્રમે 6, 4, 6 ફટકારીને બાજી ઑલમોસ્ટ ફેરવી નાખી હતી. મૅચના છેલ્લા બૉલમાં રાજસ્થાને ત્રણ રન કરવાના બાકી હતા. સુપરઓવર માટે બે રન જરૂરી હતા. શુભમે બૉલને લોંગ-ઑફ તરફ મોકલ્યો હતો અને રન દોડવાનું શરૂ કર્યું હતું. તેણે અને જોફ્રાએ એક રન તો પૂરો કર્યો હતો, પરંતુ બીજો રન દોડતી વખતે રિન્કુ સિંહના થ્રોમાં વૈભવે બૉલ કલેકટ કરીને જોફ્રાને રનઆઉટ કરી દીધો હતો. રીતે રાજસ્થાનની ટીમ જીતવા માટે જરૂરી ત્રણને બદલે એક જ રન કરી શકી હતી અને કોલકાતાનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

વૈભવની વિકેટ વૈભવે લીધી:

રાજસ્થાનના અન્ય બેટ્સમેનમાં ઓપનર યશસ્વી જયસ્વાલના 34 રન સામેલ હતા. તેનો સાથી ઓપનર 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (ચાર રન, બે બૉલ, એક ફોર) પ્રથમ બૉલના ચોક્કા બાદ બીજા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ પેસ બોલર વૈભવ અરોરાએ લીધી હતી.

સિમરન હેટમાયરે 29 રન અને જોફ્રાએ 12 રનનું યોગદાન આપ્યું હતું. ત્રણ બેટ્સમેન ઝીરોમાં આઉટ થઈ ગયા હતા. કોલકાતાના મોઈન અલી, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, કલકાતાએ આન્દ્રે રસેલના 57 રન, અંગક્રિશ રઘુવંશીના 44 રન, ઓપનર ગુરબાઝના 35 રન અને કેપ્ટન રહાણેના 30 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 206 રન કર્યા હતા. કોલકાતાના રસેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો….KKR vs RR: અજિંક્ય રહાણેએ ટોસ જીતીને આ નિર્ણય લીધો, બંને ટીમોમાં મોટા ફેરફાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button