IPL 2025

રિષભ પંતના ચહેરાના હાવભાવ અને બૉડી લૅન્ગવેજ વિશે ગિલક્રિસ્ટનું સચોટ નિરીક્ષણઃ જાણો, શું કહ્યું છે તેણે…

વીરેન્દર સેહવાગ તો કહે છે કે પંતે ધોનીને ફોન કરીને….

લખનઊઃ આઇપીએલ-2025 (IPL-2025)ની સીઝન માટે ગયા વર્ષે યોજવામાં આવેલી હરાજીમાં આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી ઊંચા 27 કરોડ રૂપિયાના ભાવે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા ખરીદવામાં આવેલો વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (RISHABH PANT) આ વખતે સૌથી મોંઘો ખેલાડી બનવા બદલ સૌથી સારું પર્ફોર્મ કરવાના માનસિક બોજ નીચે ઢંકાઈ ગયો છે કે પછી એલએસજીની કૅપ્ટન્સી (CAPTAINCY)નો ભાર સહન નથી થઈ શકતો એ ચર્ચાનો વિષય છે. કારણ એ છે આ વખતે તે અસલ મિજાજમાં રમતો જોવા જ નથી મળ્યો.

પંતે લખનઊ વતી 11 મૅચમાં કુલ ફક્ત 128 રન કર્યા છે. એમાં માત્ર એક હાફ સેન્ચુરી સામેલ છે અને 12.80 તેની અત્યંત ખરાબ બૅટિંગ-સરેરાશ છે.

આપણ વાંચો: સૉલ્ટ-ડેવિડનો બાઉન્ડરી લાઇન કૅચ આઇપીએલ-2025નો બેસ્ટ કૅચ બની શકે…

સામાન્ય રીતે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન રિષભ પંત બૅટિંગમાં અનોખી સ્ટાઇલમાં પુલ શૉટ અને લૉફ્ટેડ શૉટ મારતો જોવા મળતો હોય છે, પણ આ વખતે તેનો એ અંદાજ જરાય જોવા જ નથી મળ્યો. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટ (ADAM GILCHRIST) એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટને કહે છે કે રિષભ પંતને જ્યારે પણ બૅટિંગ કરતો જોઈએ ત્યારે એવું જ લાગે છે કે તે બૅટિંગ એન્જૉય કરી રહ્યો છે.

જોકે આ વખતે તેનામાં એવું જરાય જોવા નથી મળ્યું. સાથી ખેલાડીઓ તેમ જ હરીફ પ્લેયરો સામે સ્મિત લહેરાવતો, હસતો, શૉટ મારતી વખતે ઉછળતો-કૂદતો અને બધા સાથે મજાકમસ્તી કરતો પંત આ વખતે જોવા જ નથી મળ્યો. શક્ય છે કે સૌથી ઊંચો (27 કરોડ રૂપિયાનો) ભાવ મેળવવાની સાથે તેના માથે નવી ટીમના નેતૃત્વની જવાબદારી આવી પડી છે એટલે એ બોજનો અનુભવ કરી રહ્યો હશે.

આપણ વાંચો: ચેન્નઈ (CSK)એ આઇપીએલ-2025 માટે અત્યારથી ભરતી શરૂ કરી દીધી?: અશ્વિન કમબૅકની શરૂઆત થઈ ગઈ છે

' પંતે 2016ની સાલમાં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 2025ની સીઝન તેના માટે સૌથી મોટી કસોટીની સીઝન બની છે. ગિલક્રિસ્ટ એવું પણ કહે છે કે પંત તેની નૅચરલ બૅટિંગ-સ્ટાઇલ માટે જ કરોડો ચાહકોમાં પ્રિય છે, પણ આ વખતે તેની એ નૅચરલ સ્ટાઇલ નથી જોવા મળી.

તેનો અસલ પ્રભાવ મને આ વખતે જોવા જ નથી મળ્યો. તેનામાં જે ચમક હંમેશાં જોવા મળતી હોય છે એ જોવા જ નથી મળી. તેનામાં સામાન્ય રીતે જે ઊર્જા જોવા મળતી હોય છે એ પણ નથી જોવા મળી. તે એવો ખેલાડી છે જે બધાને ખૂબ મનોરંજન કરાવતો હોય છે. તેના જેવો ભાગ્યે જ કોઈ પ્લેયર હશે. જોકે આ વખતે એવું કંઈ જ નથી જોવા મળી રહ્યું.’
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શૉન પોલૉકનું પણ પંત વિશે ગિલક્રિસ્ટ જેવું જ માનવું છે.

ભારતના ભૂતપૂર્વ ઓપનર અને ક્રિકેટજગતના સૌથી વિસ્ફોટક બૅટ્સમેનોમાં ગણાતા વીરેન્દર સેહવાગ (SEHWAG)નું કહેવું છે કે `રિષભ પંતે નકારાત્મકતામાંથી બહાર આવવા બીજું કંઈ પણ કરવાની જરૂર નથી. તેણે પોતાનો મોબાઇલ લઈને એમએસ ધોનીને કૉલ કરવો જોઈએ. ધોની રોલ મૉડેલ છે. તે પંતના માનસમાંથી નકારાત્મકતા જરૂર દૂર કરી આપશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button