ઓપનિંગમાં કોહલી સાથે હાથ મિલાવવાનું રિન્કુ સિંહ ભૂલી ગયો કે તેને અવગણ્યો?

કોલકાતા: સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ ઝીણી બાબત કૅમેરાની નજરથી બચી ન શકે અને જો કંઈ પણ વિચિત્ર કે અજુગતું બન્યું હોય તો એ તરત કૅમેરામાં કેદ થઈ જાય અને પળવારમાં વાઇરલ થઈ જાય છે. ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં આઈપીએલના ઓપનિંગમાં ઍન્કર શાહરૂખ ખાને કેકેઆરના ખેલાડી રિન્કુ સિંહને સ્ટેજ પર બોલાવ્યો ત્યારે એકદમ ઉતાવળે આવેલા રિન્કુએ શાહરૂખ સાથે તો હાથ મિલાવ્યા પણ નજીકમાં જ ઊભેલા વિરાટ સાથે હાથ મિલાવવાનું તે ભૂલી ગયો હતો કે પછી તેને અવગણ્યો એની ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો..IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પાંચ મેચના દિવસે મેટ્રોના સમયમાં ફેરફાર
18મી આઇપીએલની ગઈ કાલે પહેલી મૅચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) વચ્ચે રમાઈ હતી.
મીડિયામાં એવી ચર્ચા છે કે કેકેઆરનો હાર્ડ હિટિંગ બૅટર રિન્કુ સિંહ કદાચ કોઈ માનસિક દબાણમાં હશે એટલે સ્ટેજ પર આવ્યા બાદ તે શાહરૂખ સાથે હેન્ડશેક કર્યા બાદ કદાચ કોઈ ખોટા ઈરાદા વગર જ વિરાટને વટાવી ગયો હતો.
‘કિંગ ખાન’ શાહરુખ ખાન અને ‘કિંગ કોહલી’ વિરાટ કોહલી એક જ સ્ટેજ પર ભેગા થાય એ અવસર અદભુત જ કહેવાય. શાનદાર ઓપનિંગના એ સમારોહમાં શાહરૂખ ખાને રિન્કુને અને કોહલીને પોતાના ગીતની ધૂન પર નચાવ્યા હતા અને પોતે પણ તેમની સાથે ડાન્સ કરીને મોજ કરી હતી.
ઈડન ગાર્ડન્સના હજારો પ્રેક્ષકોએ તેમ જ ટીવી દર્શકોએ આ ઇવેન્ટની ખૂબ મોજ માણી હતી.
શાહરુખે પહેલાં તો બંને સાથે થોડી હળવી વાતો કરી હતી, પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને પછી તેમને બોલીવૂડ-ટચ આપ્યો હતો.
આઈપીએલની આ પ્રારંભિક મૅચમાં મેઘરાજા વિલન બનશે એવી સંભાવના હતી, પરંતુ એવું નહોતું થયું. 2008ની સૌપ્રથમ આઇપીએલની પ્રથમ મૅચ આ જ બે ટીમ વચ્ચે રમાઈ હતી.
કેકેઆરે બૅટિંગ મળ્યા બાદ કેપ્ટન અજિંકય રહાણેના 56 રન અને સુનિલ નારાયણના 44 રનની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 174 રન બનાવ્યા હતા. આરસીબીના સ્પિનર કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટને લીધે કેકેઆરનો સ્કોર મર્યાદિત રહ્યો હતો.
આરસીબીએ 16.2 ઓવરમાં ત્રણ વિકેટે બનાવેલા 177 રનના સ્કોર સાથે આ પ્રારંભિક મૅચ જીતી લીધી હતી. એમાં કોહલીનું અણનમ 59 રનનું, ઓપનર ફિલ સૉલ્ટનું 56 રનનું અને કેપ્ટન રજત પાટીદારનું 34 રનનું યોગદાન હતું.
આ પણ વાંચો..IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ…
કૃણાલ પંડ્યાને 29 રનમાં લીધેલી ત્રણ વિકેટના પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.