જયપુરમાં જયસ્વાલ છવાઈ ગયો, રાજસ્થાનના ચાર વિકેટે 173 રન
કોહલીના હાથે જુરેલને જીવતદાન, ડેથ ઓવર્સમાં 47 રન બન્યા

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સે (RR) અહીં આજે આઈપીએલ (IPL-2025)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 173 રન બન્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ (75 રન, 47 બૉલ, બે સિક્સર, દસ ફોર)નું ટીમના પોણાબસો જેટલા રનમાં સૌથી મોટું યોગદાન હતું.
જોકે ડેથ ઓવર્સ (છેવટની 17થી 20મી ઓવર)માં રાજસ્થાને 47 રન કર્યા હતા. જો એટલા રન ન થયા હોત તો રાજસ્થાનનું ટોટલ વધુ નીચું હોત.
આપણ વાંચો: યશસ્વી ભવઃ રાજસ્થાન શાનથી જીત્યું
સુયશ શર્માની 17મી ઓવરના છેલ્લા બૉલમાં વિરાટ કોહલીએ ધ્રુવ જુરેલનો સીધો કૅચ છોડ્યો હતો જેનો જુરેલે અને રાજસ્થાનની ટીમે ફાયદો લીધો હતો.
જુરેલને જીવતદાન મળ્યું ત્યારે તે 12 રન પર હતો અને 20મી ઓવરને અંતે તે બે સિક્સર, બે ફોરની મદદથી બનેલા 35 રને અણનમ રહ્યો હતો.
આપણ વાંચો: બિહારનો 13 વર્ષનો સૂર્યવંશી આઇપીએલનો સૌથી યુવાન, રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો…
એ પહેલાં, યશસ્વી અને ઓપનર-કૅપ્ટન સંજુ સૅમસન (15 રન) વચ્ચે 41 બૉલમાં 49 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
યશસ્વીએ રિયાન પરાગ (30 રન, બાવીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે 39 બૉલમાં 56 રનની તેમ જ ધ્રુવ જુરેલ (35 અણનમ, 23 બૉલ, બે સિક્સર, બે ફોર) સાથે 16 બૉલમાં 21 રનની પાર્ટનરશિપ કરી હતી.
છેલ્લે શિમરૉન હેટમાયર (નવ રન) અને જુરેલ વચ્ચે 23 બૉલમાં 43 રનની જે ભાગીદારી થઈ એ બેંગલૂરુને થોડી ભારે પડી હતી.
બેંગલૂરુ વતી ભુવનેશ્વર, યશ દયાલ, જૉશ હૅઝલવૂડ અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. સુયશ શર્મા અને લિવિંગસ્ટનને વિકેટ નહોતી મળી.