મેઘરાજાએ હૈદરાબાદને આઉટ કર્યું, દિલ્હીને રાહત આપી
અનિર્ણિત મૅચમાં ઈશાન કિશનનો આઈપીએલમાં અનોખો વિક્રમ

હૈદરાબાદ: સોમવારે વરસાદ પડવાને કારણે આઈપીએલ-2025 (IPL-2025)ની 55મી મૅચ અનિર્ણિત રહી હતી જેને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ હતી અને એક સમયની નંબર-વન ટીમ દિલ્હી કેપિટલ્સ (DC)ને થોડી રાહત મળી હતી.
અક્ષર પટેલની કેપ્ટન્સીમાં દિલ્હીની ટીમ હજી પણ પાંચમા નંબરે છે અને પ્લે-ઑફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે.

ત્રણ ટીમ આઉટ, ક્રમવાર આ સાત વચ્ચે હરીફાઈ:
ચેન્નઇ, રાજસ્થાન પછી હવે હૈદરાબાદની ટીમ પ્લે-ઑફની દોડમાંથી બહાર થઈ જતાં હવે બાકીની સાત ટીમ વચ્ચે રસાકસી છે. એમાં 1થી 7 ક્રમ મુજબ બેંગ્લૂરુ, પંજાબ, મુંબઈ, ગુજરાત, દિલ્હી, કલકત્તા, લખનઊનો સમાવેશ છે.
133/7 બાદ દિલ્હીની ટીમ પરાજયથી બચી ગઈ:
દિલ્હીની ટીમ સોમવારે 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 133 રન કરી શકી હતી જેને પગલે એનો પરાજય નક્કી લાગતો હતો, પરંતુ એની ઇનિંગ્સ બાદ હૈદરાબાદની ઈનિંગ્સ શરૂ નહોતી થઈ શકી અને બેઉ ટીમને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો હતો. દિલ્હીની ટીમને જાણે બોનસમાં એક પોઇન્ટ મળ્યો છે.

કમિન્સ-કિશનનો હૅટ-ટ્રિક તાલમેલ:
દિલ્હીએ સોમવારે માત્ર 15 રનમાં પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. એ ત્રણેય વિકેટ કેપ્ટન અને પેસ બોલર પૅટ કમિન્સે લીધી હતી અને ત્રણેય ટૉપ-ઑર્ડર બૅટ્સમેન (કરુણ નાયર, ફાફ ડુ પ્લેસી, અભિષેક પોરેલ)ના કૅચ આ સીઝનમાં પહેલી જ વખત વિકેટકીપિંગ કરનાર ઈશાન કિશને ઝીલ્યા હતા.

ચોથી વિકેટ કે. એલ. રાહુલની પડી હતી. જયદેવ ઉનડકટના બૉલમાં રાહુલનો કૅચ પણ ઈશાન કિશને પકડ્યો હતો. એ સાથે, કિશને આઇપીએલ (IPL)ની એક ઇનિંગ્સમાં હરીફ ટીમના ટૉપ-ઑર્ડરના ચારેય બૅટ્સમેનના કૅચ પકડનાર આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો.
દિલ્હીએ 29 રનમાં પાંચ વિકેટ ગુમાવેલી:

દિલ્હીના 133 રનમાં ટ્રિસ્ટેન સ્ટબ્સ અને આશુતોષ શર્માના 41-41 રન હાઈએસ્ટ હતા. એક તબક્કે દિલ્હીએ 29 રનમાં પહેલી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ડીસ્ટેન્ડ અને આશુતોષ વચ્ચે 66 રનની ભાગીદારી થઈ હતી જેને લીધે દિલ્હીની ટીમની થોડી ઘણી આબરૂ સચવાઈ હતી.