IPL 2025

એમઆઇનો `મિસ્ટ્રી સ્પિનર’ પીઢ ખેલાડીઓ રાશિદ ખાન અને મલિન્ગા સાથે પ્રૅક્ટિસ કરીને ઘડાયો છે

રોહિત, તિલક, સૂર્યાને વિજ્ઞેશ પુથુર સામે રમવામાં મુશ્કેલી પડી એટલે એમઆઇની ઇલેવનમાં આવી ગયો!

ચેન્નઈઃ રવિવારે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ત્રણ વિકેટ લેનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના મિસ્ટ્રી સ્પિનર' વિજ્ઞેશ પુથુર (VIGNESH PUTHUR)ના નાનપણના કોચ વિજયન મુંબઈના ખ્યાતનામ કોચ વાસુ પરાંજપે સાથે કામ કરી ચૂક્યા છે.

વિજયને પીટીઆઇને જણાવ્યું હતું કેસ્પિન બોલિંગની બાબતમાં વિજ્ઞેશ પુથુર ખૂબ શિસ્તબદ્ધ છે. લેફ્ટ-આર્મ સ્પિન શીખવા માટે અને એમાં સુધારો લાવવા માટે તેણે વર્ષોથી ખૂબ મહેનત કરી છે.’

24 વર્ષનો વિજ્ઞેશ પુથુર તાજેતરમાં અફઘાનિસ્તાનના મહાન સ્પિનર રાશિદ ખાન અને ભૂતપૂર્વ શ્રીલંકન ફાસ્ટ બોલર લસિથ મલિન્ગા સાથેના પ્રૅક્ટિસ સેશનમાં મળેલી ટિપ્સને આધારે ઘડાયો છે.

આપણ વાંચો: ચેન્નઈની ત્રણ વિકેટ લેનાર મુંબઈના સ્પિનર વિજ્ઞેશ પુથુરના પિતા ઑટોરિક્ષા ડ્રાઇવર છે…

પુથુરે રવિવારની મૅચમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (53 રન), શિવમ દુબે (નવ રન) અને દીપક હૂડા (ત્રણ રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી.

પુથુરને રોહિત શર્માના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર (IMPACT PLAYER ) તરીકે ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો અને તેણે 32 રનમાં ત્રણ વિકેટ લઈને મૅચમાં સારી ઇમ્પૅક્ટ (અસર) પાડી હતી.

વિજ્ઞેશ પુથુર કેરળનો છે અને સિનિયર ક્રિકેટમાં તેના રાજ્ય વતી સિનિયર ક્રિકેટ હજી રમ્યો જ નથી. પુથુર ભારતના જાણીતા રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ જેવો છે જે નિર્ભય થઈને ભલભલા હરીફ બૅટરને પોતાના કાંડાની કરામતથી જાળમાં ફસાવી શકે છે.

આપણ વાંચો: પદમાકર શિવાલકર ભારત વતી રમ્યા નહોતા છતાં દેશના મહાન સ્પિનર્સમાં ગણાતા હતા

રવિવારે મુંબઈએ નવ વિકેટે 155 રન બનાવ્યા બાદ ચેન્નઈએ પાંચ બૉલ બાકી રાખીને 158/6ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના બોલિંગ-કોચ પારસ મ્હામ્બે્રએ પુથુરમાં તેમની ટીમે ક્ષમતા અને કાબેલિયતને કેવી રીતે ઓળખ્યા એ વિશે પીટીઆઇએ જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે પુથુરને નવેમ્બરમાં ખેલાડીઓની હરાજી પહેલાં એમઆઇની સિલેક્શન ટ્રાયલમાં આવવા કહેવામાં આવ્યું હતું અને પછી એમાં તેનો પર્ફોર્મન્સ જોઈને અમે તેને 30 લાખ રૂપિયામાં મેળવી લીધો હતો.

ત્યાર બાદ અમે તેને સાઉથ આફ્રિકા મોકલ્યો હતો જ્યાં તેણે એમઆઇ કેપ ટાઉન ટીમ માટે નેટ બોલર તરીકેની ભૂમિકા ભજવી હતી. એમઆઇ કેપ ટાઉન ટીમે ત્યારે સાઉથ આફ્રિકાની એસએ20 નામની ટૂર્નામેન્ટ જીતી લીધી હતી.'

આપણ વાંચો: ઑસ્ટ્રેલિયનોએ ભારતીય મૂળના વિશ્વવિક્રમી સ્પિનર હર્ષિત સેઠ સહિત સાત સ્પિનરની મદદ લીધી…

અફઘાનિસ્તાનનો વર્લ્ડ ક્લાસ સ્પિનર રાશિદ ખાન એમઆઇ કેપ ટાઉનનો કૅપ્ટન હતો અને લસિથ મલિન્ગા બોલિંગ-કોચ હતો. વિજ્ઞેશ પુથુરે સાઉથ આફ્રિકામાં રાશિદ ખાન અને મલિન્ગા સાથે ખૂબ પ્રૅક્ટિસ કરી હતી અને ઘણી સારી ટિપ્સ પણ મેળવી હતી.

પારસ મ્હામ્બે્રએ પીટીઆઇને એવું પણ કહ્યું હતું કેપ્રૅક્ટિસમાં રોહિત શર્મા, તિલક વર્મા તેમ જ સૂર્યકુમાર યાદવને વિજ્ઞેશ પુથુરના સ્પિન સામે રમવામાં થોડી તકલીફ થઈ હતી એ જોઈને અમને થયું કે પુથુરને પહેલી મૅચમાં રમાડવો જ જોઈએ એટલે અમે તેને રવિવારે સીએસકે સામે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમાડ્યો હતો. પુથુર સ્પિન કરવામાં એકદમ સચોટ છે. પિચ પર જે જગ્યાએ બૉલની ટપ પાડવાનું તે નક્કી કરે બરાબર એ જ જગ્યાએ ટપ પાડે છે.’


મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું આવા મહાન ખેલાડીઓ સાથે રમીશઃ પુથુર

24 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર વિજ્ઞેશ પુથુરે રવિવારે મુંબઈ સામે ચેન્નઈના વિજય સાથે પૂરી થયેલી મૅચ પછી કહ્યું હતું કે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું આવા મહાન ખેલાડીઓની સાથે અને સામે રમીશ.' પુથુર 100 ટકા સાક્ષરતા ધરાવતા કેરળ રાજ્યનો છે.

તે કાલિકટ યુનિવર્સિટીમાં પીટીએમ સરકારી કૉલેજમાં અંગે્રજી સાહિત્યમાં એમ. એ.નું ભણી રહ્યો છે. તેના પિતા સુનીલ કુમારે પીટીઆઇને જણાવ્યું હતું કેમારા દીકરાને આ વખતની આઇપીએલની પહેલી જ મૅચમાં રમવા મળશે એવી અમને કોઈ જ ધારણા નહોતી.

અમે બધા ખૂબ ખુશ છીએ, કારણકે પહેલી વાત એ છે કે વિજ્ઞેશને આઇપીએલનો કૉન્ટ્રૅક્ટ મળશે એવી કોઈ જ ધારણા અમે નહોતી રાખી. હવે જ્યારે તે આઇપીએલમાં શરૂઆતથી જ રમવા લાગ્યો એટલે અમને અનેક લોકોના ફોન-કૉલ આવ્યા જેમાં તેઓ અમને હાર્દિક અભિનંદન આપી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે તે દરેકની અપેક્ષા મુજબ રમશે.’

વિજ્ઞેશના મમ્મીએ પીટીઆઇને કહ્યું, `અમારો દીકરો બેહદ ખુશ છે. તેનામાં આટલી ખુશી અમે અગાઉ ક્યારેય નહોતી જોઈ. તેને આઇપીએલની પહેલી જ મૅચથી રમવા મળ્યું એનો અમને બેહદ આનંદ છે. અમે મૅચનો એકેએક બૉલ જોયો. અમે એટલા બધા ભાવવિભોર થઈ ગયા હતા કે મૅચ પછી અમે રાત્રે ઊંઘી જ નહોતા શક્યા.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button