IPL 2025

આઇપીએલમાં મેચ ફિક્સિંગઃ લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચ પર ગંભીર સવાલ?

જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની મેચ લગભગ અડધો અડધ પૂરી થવા આવી છે ત્યારે મોટા ભાગની ટીમ હાલમાં પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે કમર કસી રહી છે. ગઈકાલે ગુજરાત ટાઈટન્સ (જીટી)એ કેકેઆર (KKR)ને હરાવ્યાના અહેવાલ વચ્ચે રાજસ્થાન અને લખનઉ વચ્ચેની મેચ ફિક્સિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે.

છેલ્લી ઓવરમાં રાજસ્થાન નવ રન બનાવી શક્યું નહોતું

અગાઉ રાજસ્થાન અને લખનઉ વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરમાં રાજસ્થાનને નવ રન કરવાના હતા પણ આવેશ ખાનની ઓવરમાં રાજસ્થાન ફક્ત 6 રન બનાવી શક્યું હતું. રાજસ્થાની ક્રિકેટ બોર્ડના એડ હોક કમિટીના સંયોજક જયદીપ શહાનીએ કેપ્ટન સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ મૂકીને સૌને ચોંકાવાયા છે. ટીમના કેપ્ટન સંજુ સેમસન અને કોચ રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ રાજસ્થાન રમે છે. ત્યારે જયદીપ બિહાનીએ ટીમ પર ગંભીર આરોપ મૂકતા કહ્યું છે કે આઇપીએલની ટીમ પર એડ હોક કમિટીનું નિયત્રંણ કેમ નથી?

Image Source: PTI

રાજસ્થાન બોર્ડ અને જિલ્લા પરિષદ આમનેસામને

મીડિયા સાથે વાતચીત કરતા જયદીપ બિહાનીએ કહ્યું હતું કે લખનઉની સામે છેલ્લી ઓવરમાં હાર મુદ્દે સવાલ ઊભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે એવું ઈચ્છીએ છીએ કોઈ પણ સમસ્યા વિના ટૂર્નામેન્ટ પૂરી થાય, પરંતુ જેવી આઈપીએલ શરુ થઈ કે જિલ્લા પરિષદે તેનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. આઈપીએલના માટે બીસીસીઆઈએ અગાઉ આરસીએને પત્ર મોકલ્યો હતો, પણ જિલ્લા પરિષદને નહીં એવો સવાલ બિહાનીએ કર્યો હતો. તેમના અને આરઆર દ્વારા એવું બહાનું કરવામાં આવ્યું છે કે સવાઈ માનસિંહ સ્ટેડિયમ સાથે કોઈ કરાર (એમઓયુ) કર્યા નહોતા. જો એમઓયુ થયા ના હોય તો શું થયું. શું તમે દરેક મેચ જિલ્લા પરિષદને પૈસા આપતા નથી?

લખનઉ સામેની મેચમાં રિયાન પરાગ હતો કેપ્ટન

લખનઉ સામેની મેચમાં સંજુ સેમસનને ઈજાને કારણે રિયાન પરાગ કેપ્ટન હતો. આ મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી હતી. 181 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરુઆત શાનદાર થઈ હતી, જેમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. નવમી ઓવરના ચોથા બોલામાં વૈભવની વિકેટ પડી હતી, જેમાં વૈભવે 20 બોલમાં 34 રન ફટકાર્યા હતા.

યશસ્વી જયસ્વાલ 74 અને રિયાન પરાગ 38 રને રમી રહ્યો હતો, ત્યારે અવેશ ખાને પહેલા બોલે જયસ્વાલને બોલ્ડ કર્યો હતો, જ્યારે છેલ્લા બોલે રિયાન પરાગને એલબીડબ્યુ આઉટ કર્યા હતા. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં નવ રન બનાવી શક્યું નહોતું, જ્યારે 16 એપ્રિલના દિલ્હી કેપિટલ્સ સામે પણ જીતેલી મેચ હારી ગયું હતું. દિલ્હી સામે છેલ્લી ઓવરમાં નવ રનના બદલે આઠ રન બનાવતા મેચ સુપરઓવરમાં પરિણમી હતી, ત્યારબાદ સુપરઓવરમાં રાજસ્થાન હાર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button