માર્શની `ફાસ્ટેસ્ટ સેન્ચુરી’ પછીના થ્રિલરમાં લખનઊ જીત્યું
ગુજરાતના ખેલાડીઓ કેમ લેવેન્ડર કલરના ડ્રેસમાં રમ્યા?

અમદાવાદઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ અહીં સર્વોચ્ચ ક્રમાંકિત ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) સામેની લીગ મૅચમાં 33 રનથી વિજય મેળવીને રહ્યુંસહ્યું ગૌરવ મેળવવાની શરૂઆત કરી હતી. પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગયેલા લખનઊએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં માત્ર બે વિકેટે 235 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 202 રન બનાવી શકી હતી. ગુજરાતના ખેલાડીઓ કૅન્સર સામેની લડતમાં લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ખાસ બનાવાયેલા લેવેન્ડર કલરના ડ્રેસમાં રમ્યા હતા.
ગુજરાતના ફેમસ ટૉપ-ઑર્ડરે સાધારણ પર્ફોર્મ કર્યા બાદ રુધરફર્ડ (38 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, એક ફો) અને એમ. શાહરુખ ખાન (57 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની જોડીએ ફટકાબાજીથી ગુજરાતની ટીમને વિજયની નજીક લાવવાની કોશિશ કરી હતી. જોકે તેમની વચ્ચેની 86 રનની ભાગીદારી તૂટ્યા પછી ગુજરાતે રુધરફર્ડ, તેવાટિયા, અર્શદની વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ લાંબી લડત બાદ શાહરુખ પણ આઉટ થઈ ગયો હતો. સુદર્શને 21, ગિલે 35 અને બટલરે 33 રન કર્યા હતા. ઓ’રુરકેએ ત્રણ અને આવેશ ખાને તેમ જ બદોનીએ બે વિકેટ લીધી હતી.
લખનઊ માટે આ મૅચનો કોઈ જ મતલબ નહોતો, જ્યારે ગુજરાતને ટોચના બે સ્થાનમાં રહેવા આ મૅચ ખૂબ મહત્ત્વની હતી. લખનઊનો ઓપનર મિચલ માર્શ (117 રન, 64 બૉલ, આઠ સિક્સર, દસ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તે આઇપીએલની આ સીઝનનો સાતમો અને લખનઊનો પ્રથમ સેન્ચુરિયન બન્યો હતો. તેણે 56 બૉલમાં સદી ફટકારી હતી અને એલએસજી વતી સેન્ચુરી ફટકારી ચૂકેલા ખેલાડીઓમાં તેની આ સદી ફાસ્ટેસ્ટ છે.
માર્શે પહેલાં એઇડન માર્કરમ (36 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સાથે 91 રનની ભાગીદારી કરી હતી અને પછી નિકોલસ પૂરન (56 અણનમ, 27 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરી હતી. કૅપ્ટન રિષભ પંત બે સિક્સરની મદદથી બનાવેલા 16 રને અણનમ રહ્યો હતો.
લખનઊની બેમાંથી એક વિકેટ ગુજરાતના અર્શદ ખાને અને બીજી વિકેટ સાઇ કિશોરે લીધી હતી.
લખનઊના કૅપ્ટન રિષભ પંતે ટૉસ વખતે કહ્યું હતું કે `હું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ જ પસંદ કરી હોત. અમે સ્પર્ધાની બહાર થઈ ગયા છીએ, પરંતુ અમે ગૌરવ જાળવવા માટે કોઈ કસર બાકી નહીં રાખીએ.’