LSG Vs SRH: આઇપીએલમાંથી લખનઉ બહાર, હૈદરાબાદનો છ વિકેટથી વિજય

લખનઉ: અહીંના એકના સ્ટેડિયમ ખાતે આઇપીએલની 61મી મેચ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાઈ. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લેતા પહેલા દાવમાં લખનઉએ સાત વિકેટે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. સામે પક્ષે જીતવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદે બીજી ઓવરમાં 17 રનના સ્કોર પર પહેલી વિકેટ (નવોદિત અર્થરવ ટાઇડે 9 બોલમાં 13 રન બનાવી) પડી હતી પણ એના પછી ઓપનર અભિષેક શર્મા અને ઈશાન કિશન પણ મજબૂત રમ્યા હતા. છેલ્લે સુધી હૈદરાબાદે લય જાળવી રાખીએ અંતે આ મેચ 6 વિકેટે જીતી લીધી. આ હાર બાદ પ્લેઓફમાં પહોંચવાની લખનઉની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ માર્શ અને માર્કરમની અડધી સદીની મદદથી હૈદરાબાદને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે 19મી ઓવરમાં મેચ જીતી લીધી હતી.
206 રનના જવાબમાં હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. દિગ્વેશે બીજી જ ઓવરમાં અથર્વની વિકેટ લીધી હતી. અથર્વએ ફક્ત 13 રન કર્યા હતા. પરંતુ આ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ ઝડપી ગતિએ રન કર્યા હતા. અભિષેકે માત્ર 18 બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને ફિફ્ટી પુરી કરી હતી. અભિષેક શર્માની વિકેટ 8મી ઓવરમાં પડી ગઈ. અભિષેકે 59 રનની ઇનિંગ રમી હતી. 12મી ઓવરમાં ઇશાન કિશન પણ આઉટ થયો હતો. તેને દિગ્વેશ સિંહ રાઠીએ આઉટ કર્યો હતો. કિશને 35 રનની ઇનિંગ રમી. આ પછી હેનરિક ક્લાસેન અને કમિન્ડુએ શાનદાર બેટિંગ કરી હતી. ક્લાસેને 47 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
પહેલા બેટિંગ કરવા આવેલા લખનઉની શરૂઆત શાનદાર રહી હતી. મિશેલ માર્શ અને એડન માર્કરમે તોફાની શરૂઆત કરી હતી. મિશેલ માર્શે માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. લખનઉએ માત્ર 9 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ લખનઉને પહેલો ઝટકો 11મી ઓવરમાં લાગ્યો જ્યારે હર્ષ દુબેએ મિશેલ માર્શની વિકેટ લીધી હતી.. માર્શે 39 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. ઋષભ પંત ફરી ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. માર્કરમે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સીઝનમાં આ તેની 5મી અડધી સદી હતી. માર્કરમે 38 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન ફટકાર્યા હતા.