ચેન્નઈની ત્રણ વિકેટ લેનાર મુંબઈના સ્પિનર વિજ્ઞેશ પુથુરના પિતા ઑટોરિક્ષા ડ્રાઇવર છે…
ચાલો, એમઆઈના આ ‘મિસ્ટ્રી સ્પિનર' વિશે વધુ જાણીએ...

ચેન્નઈ: ટી-20 ફોર્મેટમાં અને એમાં પણ આઇપીએલ (IPL) ટી-20ની મોટાભાગની મૅચોમાં બૅટર્સનું વર્ચસ્વ હોય છે, પરંતુ ક્યારેક બોલર પણ ભલભલા બૅટરની બાજી બગાડી નાખતા હોય છે અને એમાં હવે તો ‘મિસ્ટ્રી સ્પિનર’નો ટ્રેન્ડ ચાલે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) પાસે વરુણ ચક્રવર્તીના રૂપમાં મિસ્ટ્રી સ્પિનર છે તો પાંચ વખત ટાઈટલ જીતી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ (MI) પાસે પણ હવે એક એવો રહસ્યમય સ્પિનર (વિજ્ઞેશ પૂથુર) આવી ગયો છે.
આ પણ વાંચો…ટ્રેવિસ હેડે ઊંચો છગ્ગો ફટકારીને જોફ્રા આર્ચરને ધોળા દિવસે તારા દેખાડ્યા
વિજ્ઞેશ પૂથુરે (VIGNESH PUTHUR) રવિવારે ચેન્નઈમાં ચેન્નઇ સુપરકિંગ્સ (સીએસકે) સામેની મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી. જોકે એમઆઈની બૅટિંગ ફ્લૉપ રહી હોવાથી એણે આ મૅચમાં પરાજય જોવો પડ્યો હતો. મુંબઈએ નવ વિકેટે 155 રન બનાવ્યા બાદ ચેન્નઈએ પાંચ બૉલ બાકી રાખીને 158/6ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.
24 વર્ષના વિજ્ઞેશ પૂથુરે ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (53રન), શિવમ દુબે (નવ રન) અને દીપક હૂડા (ત્રણ રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. પુથુરને રોહિત શર્માના સ્થાને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો અને તેણે 32 રનમાં ત્રણ વિકેટ લઈને મૅચમાં સારી ઇમ્પેક્ટ (અસર) પાડી હતી.
વિજ્ઞેશ પૂથુર કેરળનો છે અને સિનિયર ક્રિકેટમાં તેના રાજ્ય વતી સિનિયર ક્રિકેટ હજી રમ્યો જ નથી. પૂથુર ભારતના જાણીતા રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ જેવો છે જે નિર્ભય થઈને ભલભલા હરીફ બૅટરને પોતાના કાંડાની કરામતથી જાળમાં ફસાવી શકે છે.
આ યુવાન સ્પિનર કેરળના મલ્લપુરમનો છે અને કેરળ ટી-20 લીગમાં ઍલેપ્પી રિપલ્સ નામની ટીમ વતી સાધારણ રમ્યો એમ છતાં એમઆઈના સિલેક્ટર્સે તેને સ્કવોડમાં સમાવી લીધો છે.
એમઆઈના સિલેક્ટર્સને પુથુરના લેફ્ટ આર્મ સ્પિન ખૂબ ગમી ગયા એટલે તેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો અને ૩૦ લાખ રૂપિયાની મૂળ કિંમતે તેને મેળવી લીધો હતો.
સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમના બૅટર્સ માટે તેને નેટ બોલર તરીકે કેપ ટાઉન બોલાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે?
ડાબા હાથે ફ્લાઈટેડ બૉલ ફેંકીને બૅટરને લાલચ આપવામાં પૂથુર માહિર છે. પુથુરના પિતા સુનીલ કુમાર ઑટોરિક્ષા ડ્રાઇવર છે અને તેના મમ્મી બિન્ધુ ગૃહિણી છે. વિજ્ઞેશ પુથુર નાનપણમાં માત્ર પેસ બોલિંગ કરતો હતો, પરંતુ મોહમ્મદ શેરીફ નામના એક સ્થાનિક ક્રિકેટરે તેને તેના લેગ સ્પિનથી પ્રભાવિત થઈને સ્પિનર બનવાની તેને સલાહ આપી હતી.
એ નિર્ણયે વિજ્ઞેશની કારકિર્દીમાં મોટો વળાંક લાવી દીધો હતો. તે મલ્લપુરમથી થ્રિશુર આવ્યો હતો જ્યાં તે કેરળ કૉલેજ ટી-20 પ્રીમિયર લીગમાં છવાઈ ગયો હતો. પછીથી તે તામિલનાડુ પ્રીમિયર લીગમાં પણ સારું રમ્યો હતો.