ગુજરાત ટાઇટન્સની ટીમને ઝટકો, આ ખેલાડી અંગત કારણસર સ્વદેશ પાછો ગયો

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાનો પેસ બોલર કૅગિસો રબાડા (Kagiso Rabada) અંગત કારણસર આઇપીએલ (IPL)માંથી નીકળીને સ્વદેશ પાછો જતો રહ્યો છે. રબાડાના ફ્રૅન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે (GT) આ જાહેરાત કરી હતી અને તે ક્યારે પાછો આવશે એ વિશે કંઈ જ નહોતું જણાવ્યું.
રબાડા આ વખતે જીટીની પહેલી બન્ને મૅચ રમ્યો હતો. પંજાબ સામે જીટીનો પરાજય થયો હતો અને એ મૅચમાં રબાડાને 41 રનમાં એક વિકેટ મળી હતી. વાનખેડેમાં મુંબઈ સામે જીટીનો વિજય થયો હતો અને એમાં રબાડાએ 42 રનના ખર્ચે હાર્દિક પંડ્યાની વિકેટ મેળવી હતી. રબાડા બુધવારે બેંગલૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામેની મૅચમાં નહોતો રમ્યો.
આપણ વાંચો: આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા
બુધવારે જીટીએ રબાડાના સ્થાને ઑલરાઉન્ડર અરશદ ખાનને ઇલેવનમાં સમાવ્યો હતો જેણે વિરાટ કોહલીની બહુમૂલ્ય વિકેટ લીધી હતી. બુધવારે જીટીએ ફક્ત ત્રણ વિદેશી ખેલાડીને રમાડ્યા હતાઃ જૉસ બટલર, રાશીદ ખાન અને શેરફેન રુધરફર્ડ.
જીટીની ટીમમાં બીજા બે વિદેશી ખેલાડી પણ છે. કિવી ખેલાડી ગ્લેન ફિલિપ્સને હજી રમવા નથી મળ્યું, જ્યારે સાઉથ આફ્રિકાનો જેરાલ્ડ કૉએટ્ઝી હજી પૂરો ફિટ નથી. જીટીની ટીમ ગુરુવારની હૈદરાબાદ-કોલકાતા મૅચ પહેલાં બે જીત અને એક પરાજય બદલ પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે હતી.