રાજસ્થાન રૉયલ્સ આજે હારે એટલે સાવ તળિયે
પ્લે-ઑફની રેસની બહાર થઈ ચૂકેલી બીજી ટીમ ચેન્નઈ સામે સાંજે 7.30 વાગ્યાથી મુકાબલો

નવી દિલ્હીઃ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનના પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તથા રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) ટક્કર છે. 2008ની પ્રથમ આઇપીએલના વિજેતા રાજસ્થાનની આ અંતિમ લીગ મૅચ છે અને એમાં હારી જશે તો સંજુ સૅમસન (SANJU SAMSON)ના નેતૃત્વવાળી આ ટીમ 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે રહી જશે. ચેન્નઈની આ 13મી લીગ મૅચ છે અને એની 14મી (અંતિમ) લીગ મૅચ રવિવાર, પચીસમી મેએ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાશે.
રાજસ્થાન અને ચેન્નઈ, બેઉ ટીમના છ-છ પૉઇન્ટ છે. રાજસ્થાનની ટીમ 13માંથી 10 મૅચ હારી છે, જ્યારે ચેન્નઈનો 12માંથી નવ મૅચમાં પરાજય થયો છે. હા, બન્નેમાં સામ્યતા એ છે કે ફક્ત ત્રણ-ત્રણ મૅચ જીતી છે.
આપણ વાંચો: દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?
મૂળ શેડ્યૂલ મુજબ રાજસ્થાન-ચેન્નઈની આ મૅચ ચેન્નઈમાં રમાવાની હતી, પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના જંગને પગલે નવેસરથી સમયપત્રક બનાવવામાં આવ્યું જેમાં આ મૅચ દિલ્હીમાં રમાવાની છે.
ચેન્નઈની રવિવારની આખરી મૅચ અમદાવાદમાં રમાવાની હોવાથી ચેન્નઈના ક્રિકેટપ્રેમીઓને હવે તેમના સુપરહીરો એમએસ ધોની (MS DHONI)ને ફરી રમતો નહીં જોવા મળે? જોકે ધોની હજી 2026ની આઇપીએલમાં રમશે એવી સંભાવના છે. ખુદ તેણે જ તાજેતરમાં કહ્યું હતું કે ` 2026ની સીઝનમાં હું રમીશ કે નહીં એ નક્કી કરવા મારી પાસે હજી 10 મહિનાનો સમય છે.’
આપણ વાંચો: રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ
ચેન્નઈ-રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મૅચ રમાઈ છે જેમાં ચેન્નઈ 16-15ના રેશિયો સાથે જરાક આગળ છે.
પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈએ આ વખતે અત્યંત ખરાબ ટૉપ-ઑર્ડરને કારણે સ્પર્ધામાંથી વહેલી એક્ઝિટ જોવી પડી છે.
આ વખતે ચેન્નઈના ટૉપ-ઑર્ડરની સંયુક્ત બૅટિંગ-સરેરાશ 23.68 છે જે તમામ 10 ટીમમાં સૌથી ખરાબ છે. ચેન્નઈના ટૉપ-ઑર્ડરનો સ્ટ્રાઇક-રેટ (140.74) પણ સૌથી ખરાબ છે.
બીજી બાજુ, રાજસ્થાનની બોલિંગ તમામ 10 ટીમમાં સૌથી ખરાબ રહી છે. એની બોલિંગ-સરેરાશ (44.84) તથા ઇકોનોમી-રેટ (10.02) તમામ 10 ટીમમાં સૌથી ખરાબ છે.