આઇપીએલ-ફાઇનલ માટેના અમદાવાદના સ્ટેડિયમના રસપ્રદ આંકડા જાણી લો…

અમદાવાદઃ આઇપીએલ (IPL-2025)ની 18મી સીઝનનો પ્લે-ઑફ રાઉન્ડ નજીક આવી રહ્યો છે ત્યારે એ નિર્ણાયક રાઉન્ડની મૅચોના સ્થળો પણ નક્કી થઈ ગયા છે જેમાં ખાસ કરીને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (NARENDRA MODI STADIUM) મેદાન મારી ગયું છે.
મૂળ સમયપત્રક મુજબ પચીસમી મેની ફાઇનલ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની હતી, પણ ભારત-પાકિસ્તાન જંગને કારણે શેડ્યૂલ બદલાઈ ગયું અને ફાઇનલ હવે ત્રીજી જૂને (3rd June) રમાશે અને આ માટે અમદાવાદના મેદાનને પસંદ કરવામાં આવ્યું છે એ જોતાં આપણે આ મેદાનના આઇપીએલ સંબંધિત ઇતિહાસ પર તથા અન્ય રસપ્રદ આંકડા પર નજર કરી લઈએ.
આપણ વાંચો: આઇપીએલની પ્લે-ઑફ અને ફાઇનલ ક્યાં રમાશે એ નક્કી થઈ ગયું
પ્લે-ઑફની પહેલી બે મૅચ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં અને બાકીની બે મૅચ અમદાવાદમાં રમાશે. ક્રિકેટજગતનું સૌથી મોટું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું.
અમદાવાદના આ સ્ટેડિયમમાં કુલ 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. આ સ્ટેડિયમના મેદાન પર અત્યાર સુધીમાં કુલ સાત ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમાઈ છે જેમાંથી ચાર મૅચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો અને ત્રણ મૅચમાં સેક્નડ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.
આપણ વાંચો: LSG Vs SRH: આઇપીએલમાંથી લખનઉ બહાર, હૈદરાબાદનો છ વિકેટથી વિજય
આ સ્થળે આંતરરાષ્ટ્રીય સ્તરે 234 રનનો સ્કોર હાઇએસ્ટ છે જે 2023ની સાલમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે નોંધાવ્યો હતો. અહીં સૌથી નીચો 66 રનનો સ્કોર ન્યૂ ઝીલૅન્ડના નામે છે.
અમદાવાદમાં આઇપીએલની 40 મૅચ રમાઈ છે જેમાંથી 21 મૅચમાં લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમનો અને 19 મૅચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. આ મેદાન પર આઇપીએલમાં સૌથી મોટો 243 રનનો ટીમ-સ્કોર પંજાબ કિંગ્સના નામે છે. વર્તમાન સીઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે પંજાબે 243 રન કર્યા હતા. આ જ સ્થળે ગુજરાત ટાઇટન્સની ટીમ 204 રનનો લક્ષ્યાંક ચેઝ કરી ચૂકી છે.
આપણ વાંચો: મેઘરાજાએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતાને આઇપીએલમાંથી આઉટ કરી દીધું…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બૅટ્સમેનોને વધુ મદદકર્તા રહી છે. શરૂઆતમાં ફાસ્ટ બોલર્સ નવા બૉલથી ઘાતક સાબિત થઈ શકે છે. જોકે બૉલ જૂનો થાય એમ બોલર્સ પર બૅટ્સમેનો હાવી થતા જાય છે.
આ વખતની આઇપીએલમાં પાંચ મૅચ રમાઈ છે જેમાં છ ઇનિંગ્સમાં 200થી વધુ ટીમ-સ્કોર નોંધાયો છે. આ વખતે પાંચમાંથી ચાર મૅચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમ જીતી છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ બે વાર ફાઇનલ રમાઈ છે. 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂના એ વર્ષમાં રાજસ્થાનને સાત વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. 2023ની ફાઇનલ પણ આ જ સ્થળે રમાઈ હતી જેમાં ગુજરાતને પાંચ વિકેટે હરાવીને ચેન્નઈએ પાંચમું ટાઇટલ જીતી લીધું હતું.