અમદાવાદમાં આજે આઇપીએલની મેચ, ગરમીના પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉભી કરાઇ આ સુવિધા

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે આઇપીએલની મેચ રમાવાની છે. જેમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ સિઝનમાં પ્રથમ વાર અમદાવાદના આ મેદાન પર બપોરે મેચ યોજાવા જઈ રહી છે. શહેરમાં હાલ ગરમી 41 થી ડિગ્રીની આસપાસ છે. ગરમ પવન ફૂંકાવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જેના પગલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 4-4 બેડની બે કામચલાઉ હોસ્પિટલો તૈયાર કરી છે.
મેચ આજે બપોરે 3.30 વાગ્યાથી રમાશે
જીસીએ સેક્રેટરી અનિલ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મેચ આજે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. શહેરમાં તાપમાન વધારે છે અને ગરમીનો પ્રકોપ પણ વધ્યો છે. જેથી મેચ જોવા આવતા દર્શકોને વધુ મુશ્કેલી ન પડે અને હીટવેવની અસરોથી બચી શકાય. આ અંતર્ગત સ્ટેડિયમમાં ચાર-ચાર બેડ ધરાવતી બે કામચલાઉ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે. ડોક્ટર અને 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. એક મેડિકલ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે અને સ્વયંસેવકોની મદદથી ORS પેકેટનું મફત વિતરણ કરવામાં આવશે.
પાંચ સ્થળોએ પીવાનું પાણી મફતમાં મળશે
ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને મફતમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. આ વ્યવસ્થા પાંચ સ્થળોએ કરવામાં આવી છે, જેમાં ગેટ નંબર 1, ફેન ઝોન 1, ફેન ઝોન 2, રમાડા ક્લબ ગેટ પાસે અને પ્રેસિડેન્ટ ગેલેરી પિકઅપ પોઈન્ટ પાસે મફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. દર્શકોને શક્ય તેટલું વધુ પાણી પીવા અને લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: RCBની મજાક ઉડાવીને ટ્રેવિસ હેડ મુશ્કેલીમાં મુકાયો? જાણો RCBએ Uber સામે હાઇકોર્ટમાં દાવો કેમ માંડ્યો
ખેલાડીઓનો તડકામાં રમવાનો અનુભવ
જ્યારે ગુજરાત ટાઇટન્સ ના સહાયક કોચ આશિષ કપૂરે જણાવ્યું હતું કે મોટાભાગના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. તેને તડકામાં રમવાનો અનુભવ છે અને તે આવી પરિસ્થિતિઓમાં પોતાને વધુ સારી રીતે જાળવી રાખવામાં સક્ષમ છે.