IPL 2025

હાર્દિકે બે નો-બૉલ ફેંક્યા, છેલ્લી ઓવર પોતે ન કરી: ગુજરાત ફાવી ગયું, મુંબઈ હાર્યું

ગુજરાત નંબર-વન થયું, મુંબઈને પ્લે-ઑફનો હજી ઘણો ચાન્સ

મુંબઈ: મુંબઇ ઈન્ડિયન્સ (mi)નો મંગળવારે મોડી રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (gt) સામે મેઘરાજાના વિઘ્નો પછીના દિલધડક મુકાબલામાં છેલ્લા બૉલ પર પરાજય થયો એ સાથે મુંબઈ ટીમ-તરફી અસંખ્ય લોકોના દિલ તૂટી ગયા હતા અને આઇપીએલ (IPL)ની 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાતના ફેન્સ અભૂતપૂર્વ આનંદથી રોમાંચિત થઈ ગયા હતા.
મુંબઈની સતત છ જીતનો વિજયરથ અટકી ગયો હતો. મુંબઈની આ હાર માટે ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) જવાબદાર હોવાનું ક્રિકેટ ચાહકોનું માનવું છે. અમુક બાબતોમાં ખુદ હાર્દિકે પોતાની ભૂલ કબૂલ કરી છે. તેણે મૅચના છેલ્લા બૉલમાં રનઆઉટની તક ગુમાવી અને તેની ભૂતપૂર્વ ટીમ ગુજરાત ટાઇટન્સ જીતી ગઈ હતી.
મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન કર્યા ત્યાર બાદ ગુજરાતે વરસાદના વિઘ્નો પછી મળેલા નવા ટાર્ગેટમાં નિર્ધારિત 19 ઓવરમાં સાત વિકેટે 147 રન કરીને રોમાંચક વિજય મેળવ્યો હતો. આ 147 રનમાં ગિલ (43), બટલર (30), રૂધરફર્ડ (28), કોએટઝી (12) અને તેવાટિયા (11 અણનમ)ના મુખ્ય યોગદાનો હતા.

Image source: Amay Kharade

પ્લે-ઑફ માટે કોને કેટલો મોકો?:

ગુજરાતની ટીમ નંબર વન થઈ ગઈ છે. ગુજરાત અને બેંગ્લૂરુ ફક્ત એક મૅચ જીતે એટલે પ્લે-ઑફમાં પહોંચી જશે. જોકે મુંબઈ, પંજાબ અને દિલ્હીને પણ હજી ઘણો ચાન્સ છે.

હાર્દિકે એક જ ઓવર બોલિંગ કરી:

19 ઓવરમાંથી હાર્દિકે ફક્ત એક ઓવર બોલિંગ કરી હતી જેમાં 18 રન બન્યા હતા. ખુદ હાર્દિકે છેલ્લી 19મી ઓવર કરવી જોઈતી હતી, પણ તેણે એ ઓવર દીપક ચાહરને આપી હતી.

છેલ્લી ઓવરમાં શું બન્યું?:

મૅચની અંતિમ ઓવરમાં ગુજરાતે જીતવા 15 રન કરવાના હતા. હાર્દિકે એ ઓવરની જવાબદારી દીપક ચાહરને સોંપીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પહેલા ત્રણ બૉલમાં એક સિક્સર અને એક ફોર સહિત 11 રન થઈ ગયા હતા અને જીતવા માત્ર ચાર રન બાકી હતા. ચોથો બૉલ નો-બૉલ (No ball) હતો જેમાં એક રન પણ બન્યો હતો જેને પગલે ગુજરાતે હવે ત્રણ બૉલમાં ફક્ત બે રન કરવાના બાકી હતા. ચોથા બૉલમાં રાહુલ તેવાટિયાએ એક રન લીધો હતો અને સ્કોર એકસમાન (લેવલ) થઇ ગયો હતો. કોએટઝી સ્ટ્રાઈક પર આવ્યો હતો જે સ્કેવર લેગમાં નમન ધીરને કેચ આપી બેઠો હતો. મૅચના અંતિમ બૉલમાં અર્શદ ખાન સ્ટ્રાઈક પર હતો, વિકેટકીપર રાયન રિકલ્ટન ગ્લવ્ઝ કાઢીને ઊભો રહી ગયો હતો. અર્શદે ચાહરના ઑફ સ્ટમ્પની બહારના બૉલને મિડ-ઑફ તરફ મોકલ્યો હતો અને વિજયી રન લેવા દોડ્યો હતો. હાર્દિકે બૉલ કલેકટ કરીને નોન-સ્ટ્રાઇક એન્ડ પરના સ્ટમ્પ્સ પર ફેંક્યો હતો, પરંતુ સ્ટમ્પ્સને બૉલ લાગ્યો નહોતો. જોકે ખુદ બોલર દીપક ચાહર બૅક-અપ તરીકે બૉલ કલેક્ટ કરવાને બદલે સ્ટમ્પ્સથી ખૂબ દૂર ઊભો હતો એટલે અર્શદ ખાન રન પૂરો કરવામાં સફળ થયો હતો.

હાર્દિકે મૅચ પછી કઈ વ્યથા વ્યક્ત કરી?:

હાર્દિકે રનઆઉટનો સોનેરી મોકો તો ગુમાવ્યો, મૅચ પછી તેણે ખુદ કહ્યું હતું કે ‘ અમે કેટલાક કૅચ છોડ્યા એના કરતાં અમે જે નો-બૉલ ફેંક્યા એ અમને વધુ ભારે પડ્યા. મારી એકમાત્ર ઓવરમાં બે નો-બૉલ હતા અને છેલ્લી ઓવરમાં દીપકથી એક નો-બૉલ પડી ગયો હતો. આ ત્રણ નો-બૉલને કારણે અમારે પરાજય જોવો પડ્યો. ટી-20 મૅચમાં નો-બૉલ તો મોટો ક્રાઈમ કહેવાય અને એ જ ભારે પડતો હોય છે અને લાંબા સમય સુધી આઘાત આપતો હોય છે.’

Image source: BCCI

હાર્દિકની ઓવરમાં ત્રણ વાઈડ બૉલ પણ હતા:

ઉલ્લેખનીય છે કે હાર્દિકની એકમાત્ર ઓવરમાં બે નો-બૉલ ઉપરાંત ત્રણ વાઈડ બૉલ પણ પડ્યા હતા. છેલ્લે મુંબઈને આ ત્રણ વાઈડ પણ ભારે પડ્યા કહેવાય.

હાર્દિકે 11 બૉલની ઓવરના રેકૉર્ડની બરાબરી કરી:

હાર્દિકની ઓવર 11 બૉલ સુધી ચાલી હતી અને તેણે આઈપીએલમાં સૌથી લાંબી ઓવરના વિક્રમની બરાબરી કરી હતી. એ ઓવરમાં હરીફ કેપ્ટન શુભમન ગિલની સિક્સર સહિત કુલ 18 રન બન્યા હતા. અગાઉની આઇપીએલમાં શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે અને મોહમ્મદ સિરાજ 11-11 બૉલની ઓવર કરી ચૂક્યા છે.

મુંબઈના આ ખેલાડીઓની મહેનત પર પાણી ફર્યું:

મુંબઈનો પરાજય થતાં વિલ જેક્સ (35 બૉલમાં 53 રન) અને સૂર્યકુમાર યાદવ (24 બૉલમાં 35 રન) વચ્ચેની 71 રનની ભાગીદારી પાણીમાં ગઈ હતી. એ ઉપરાંત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ અને અશ્વની કુમારનો બે-બે વિકેટનો પર્ફોર્મન્સ પણ એળે ગયો હતો.

ગિલ શા માટે મૅન ઑફ ધ મૅચ?:

46 બૉલમાં 43 રન કરનાર શુભમન ગિલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ગિલે એ પહેલાં મુંબઈની ઇનિંગ્સમાં તિલક વર્મા, હાર્દિક અને નમન ધીરનો કૅચ પણ પકડ્યો હતો.

આજે ક્યાં, કોની વચ્ચે મૅચ રમાશે?:

આજે ઈડન ગાર્ડન્સમાં કોલકત્તા અને ચેન્નઈ વચ્ચે મૅચ રમાશે. ચેન્નઈની ટીમ પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ગઈ છે, કોલકાતાને હજી થોડો ચાન્સ છે.

આ પણ વાંચો….મુંબઈ આજે જીતે એટલે `સત્તે પે સત્તા’, જાણો કેવી રીતે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button