IPL 2025

રિષભ-ગોયેન્કાથી રાહુલના વિવાદ જેવો સીન રીક્રિએટ થઈ ગયો…

ટીમના માલિક રિષભના શૂન્યથી ખફા હતા કે સ્ટમ્પિંગનો મોકો ગુમાવ્યો એને કારણે? અનેક ભૂલો થઈ જ હતી.

વિશાખાપટનમ: સોમવારે અહીં આઈપીએલ (IPL 2025)માં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેના રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (DC)એ લગભગ ગુમાવી દીધેલી બાજી જીતી લીધી એ આઘાતને પગલે એલએસજીના કેમ્પમાં સોપો પડી ગયો હતો, જયારે ડીસીની છાવણીમાં અભૂતપૂર્વ ઉજવણીનો માહોલ હતો. આ મૅચ બાદ એલએસજીના માલિક સંજીવ ગોયેન્કા (Sanjiv Goenka)ની ટીમના કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) સાથે લાંબી ચર્ચા થઈ એનો વીડિયો વાઈરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એલએસજીનો એક મૅચમાં આઘાતજનક પરાજય થયો એને પગલે ગોયેન્કા એ સમયના કેપ્ટન કે.એલ. રાહુલ પર ગુસ્સે થયા હોય એવો વીડિયો વાઈરલ થયો હતો. રાહુલને 2025ની સીઝન માટે રીટેન ન કરવામાં આવ્યો અને હવે રાહુલ દિલ્હી કેપિટલ્સની ટીમનો હિસ્સો બની ગયો છે.

Credit: Indiatimes

પંતને 27 કરોડમાં ખરીદ્યો છે

એલએસજીના ફ્રેન્ચાઇઝીએ રિષભ પંતને ત્રણ મહિના પહેલાની હરાજીમાં વિક્રમજનક 27 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો અને તેને કેપ્ટન્સી સોંપી હતી.
સોમવારે એલએસજીની મૅચમાં પંત શૂન્યમાં આઉટ થઈ ગયો હતો અને છેલ્લે ભારે રસાકસી વચ્ચે ડીસી મેદાન મારી ગયું હતું.

આ પણ વાંચો:IPL 2025: GT સામેની મેચમાં હાર્દિક તો MI માં પરત ફરશે, પણ બુમરાહ ક્યારે આવશે? આસિસ્ટન્ટ કોચે આપ્યો જવાબ…

પ્રિન્સ જેવા નવા બોલરને 19મી ઓવર આપી

રિષભ પંતે 19મી ઓવર પ્રિન્સ યાદવ જેવા નવાસવા બોલરને આપી હતી જેમાં ૧૬ રન બન્યા હતા. સ્પિનર શાહબાઝ અહમદની 20મી ઓવરમાં રિષભ પંતે 11માં ક્રમના બૅટર મોહિત શર્માને સ્ટમ્પ-આઉટ કરવાનો મોકો પણ ગુમાવ્યો હતો.

https://twitter.com/i/status/1904365817078108471

છેલ્લી ઓવરમાં પંતના હાથે મોહિતને જીવતદાન

મોહિત જો સ્ટમ્પ-આઉટ થઈ ગયો હોત તો એલએસજીનો ત્યારે જ વિજય થઈ ગયો હોત અને ડીસી હારી ગયું હોત. આ મૅચમાં રિષભ પંતના બોલિંગના કેટલાક ફેરફાર પણ ચર્ચાસ્પદ થયા છે.

સૌથી અનુભવી શાર્દુલને માત્ર બે ઓવર આપી

ટીમના સૌથી અનુભવી બોલર શાર્દુલ ઠાકુરે પહેલી બે ઓવરમાં બે વિકેટ લીધી હતી એમ છતાં તેને છેલ્લે-છેલ્લે બોલિંગ નહોતી આપવામાં આવી અને બિન અનુભવી બોલર પ્રિન્સ યાદવ પર પંતે ભરોસો મૂક્યો હતો જેમાં તે ખોટો પડ્યો હતો.
એવું મનાય છે કે આમાંના એક કે વધુ કારણસર ગોયેન્કાએ મૅચ પછી રિષભ પંતને કદાચ ઠપકો આપ્યો હશે.

પંતનો કુલદીપને મજાકમાં ધક્કો

ડીસીનો કુલદીપ યાદવ મૅચની આખરી પળોમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક બૉલમાં શૉટ ન મારી શક્યો અને ક્રીઝ પર વાંકો વળી ગયો ત્યારે પંતે પાછળથી આવીને મજાકમાં તેને ધક્કો માર્યો હતો અને કુલદીપ નીચે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે એલએસજીની ઇનિંગ્સમાં રિષભ પંતને તેના છઠ્ઠા બૉલ પર કુલદીપ યાદવે જ શૂન્યમાં આઉટ કરીને પૅવિલિયન ભેગો કર્યો હતો.

પંતે સ્ટમ્પિંગ ગુમાવ્યું હતું

https://twitter.com/i/status/1904230785512595532

આશુતોષની પાંચ સિક્સર અને પાંચ ફોર

ડીસીના મિડલ-ઑર્ડર બૅટર આશુતોષ શર્મા (66 અણનમ, 31 બૉલ પાંચ સિક્સર, પાંચ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેની આતશબાજીને કારણે જ ડીસીને જીતવા મળ્યું હતું. આશુતોષ અગાઉ પંજાબની ટીમમાં હતો.
એલએસજીએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 209 રન બનાવ્યા હતા. ડીસીએ 19.3 ઓવરમાં 211/9ના સ્કોર સાથે યાદગાર જીત હાંસલ કરી હતી. ડીસીને 210 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો.

આ પણ વાંચો:શ્રેયા ઘોષાલ અને દિશા પટનીએ ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મન્સ માટે કેટલી ફી લીધી?

દિલ્હીની એક તબક્કે 65 રનમાં પાંચ વિકેટ પડી હતી

એક તબક્કે ડીસીએ 65 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 113મા રને ટ્રિસ્ટેન સ્ટબ્સની મહત્વની છઠ્ઠી વિકેટ પણ પડી ગઈ હતી એ પછી પણ ડીસીની ટીમ 200-પ્લસનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ થઈ હતી.
મૅચ પછી ગોયેન્કાએ કેપ્ટન પંત અને હેડ-કોચ જસ્ટિન લેંગર સાથે લાંબી ચર્ચા કરી હતી. આ ચર્ચામાં કોઈ ઉગ્રતા નહોતી જોવા મળી, પરંતુ પંતથી જે કેટલીક ભૂલો થઈ ગઈ હતી એ બદલ ગોયેન્કાએ નારાજગી જરૂર વ્યક્ત કરી હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button