
મુંબઈ: પાંચ વાર IPL વિજેતા રહેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) હાલ ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. IPL 2025માં CSK 8 મેચ માંથી ટીમ માત્ર 2 મેચ જ જીતી શકી છે, 4 પોઈન્ટ્સ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. ઋતુરાજ ગાયકવાડ સિઝનમાંથી બહાર થયા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમની કમાન હાથ લેવા છતાં ટીમનું પ્રદર્શન સુધરી શક્યું નથી. CSK આ IPL સિઝનના પ્લે ઓફમાં પ્રવેશે એવી શક્યતા ઓછી છે, છતાં CSKના ચાહકોની આશા જીવંત છે.
આ વર્ષે IPLના પોઈન્ટ ટેબલમાં CSK છેલ્લા એટલે કે દસમા સ્થાને છે, ટીમ હજુ પણ ક્વોલિફિકેશનની રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી થઇ. જો હવે CSK હવે બાકીની તમામ છ મેચ જીતે તો પણ મહત્તમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
શું છે પ્લે ઓફ માટેનું સમીકરણ:
પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, પાંચ ટીમોને પહેલાથી જ 10-10 પોઈન્ટ મળી ગયા છે અને દરેકને હજુ પણ ઓછામાં ઓછી 6-6 મેચ રમવાની છે, તેથી 16 પોઈન્ટ મળ્યા પછી પણ, CSK પ્લેઓફમાં પહોંચે એવી ખાતરી નથી. પરંતુ જો CSK બાકીની 6 મેચ જીતી જાય, તો ટીમ પ્લે ઓફની રેસમાં રહેશે. જો કે, CSK એ અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે અને નેટ રન રેટ પણ સુધારવી પડશે, તો જ ટીમને ટોપ 4માં સ્થાન મળશે. જો કે ટીમનું વર્તમાન પ્રદર્શન જોતાં તે શક્ય લાગતું નથી.
આ પણ વાંચો… CSK એ ઋતુરાજની જગ્યાએ 17 વર્ષીય ખેલાડીને ટીમમાં સામેલ કર્યો, આવો રહ્યો છે રેકોર્ડ
ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ(MI)એ CSKને વાનખેડે સ્ટેડીયમમાં કારમી હાર આપી. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની તોફાની ઇનિંગ્સના આધારે મુંબઈએ 16મી ઓવરમાં જ 177 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો.