અભિષેક અને ટ્રૅવિસ હેડે હૈદરાબાદને પાવરપ્લેનું બાદશાહ બનાવી દીધું, બીજી કોઈ ટીમ રેકૉર્ડની આસપાસ પણ નથી!

હૈદરાબાદઃ 2024ની સીઝનથી આઇપીએલ (IPL 2025)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સે ફટકાબાજીથી એવો વંટોળ આવ્યો કે એવો અગાઉ ક્યારેય જોવા નહોતો મળ્યો અને આ વખતે તેમણે એ પરંપરા રવિવારની પહેલી મૅચથી જ જાળવી રાખી છે.
ખાસ કરીને અભિષેક શર્મા (Abhishek Sharma) અને ટ્રૅવિસ હેડે (Travis Head) હૈદરાબાદની ટીમને ગયા વર્ષથી જ પાવરફુલ પાવરપ્લે (Powerplay)ની ઓળખ અપાવીને બાદશાહનો ટૅગ અપાવ્યો અને આ વખતે રાજસ્થાન રૉયલ્સ સામેના પ્રથમ મુકાબલામાં અભિષેક બહુ લાંબો સમય ક્રીઝ પર નહોતો ટકી શક્યો, પરંતુ હેડ જરૂર હરીફ ટીમના બોલર્સ માટે માથાનો દુખાવો બની ગયો હતો.
રવિવારે રાજસ્થાને બૅટિંગ આપ્યા બાદ હૈદરાબાદના ઓપનર્સ અભિષેક-હેડની જોડીએ પહેલી ઓવરથી જ આતશબાજી શરૂ કરી દીધી હતી અને પહેલી ત્રણ ઓવરમાં 45 રન ખડકી દીધા હતા જેના પરથી કોઈને પણ વિચાર આવી શકે છે કે હૈદરાબાદના પાવરપ્લે (શરૂઆતની છ ઓવર)ના પંચ આ વખતે પણ જોવા મળશે અને એનો ગ્રાફ ઘણો ઊંચે જઈ શકે.
આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
હૈદરાબાદે રવિવારે 20 ઓવરમાં છ વિકેટે 286 રન બનાવ્યા હતા અને 287/3નો પોતે જ ગયા વર્ષે રચેલો આઇપીએલ-રેકૉર્ડ એક રન માટે ચૂકી ગયું હતું. રાજસ્થાનની ટીમે જવાબમાં 20 ઓવરમાં છ વિકેટે 242 રન બનાવ્યા હતા અને હૈદરાબાદનો 44 રનથી વિજય થયો હતો.
હૈદરાબાદના 286 રનમાં ઇશાન કિશનનું અણનમ 106 રનનું સૌથી મોટું યોગદાન હતું, પરંતુ 24 રન બનાવનાર અભિષેક તથા 67 રન બનાવનાર ટ્રૅવિસ હેડ વચ્ચે ફક્ત 3.1 ઓવરમાં થયેલી 45 રનની ભાગીદારીએ જીતનો પાયો નાખ્યો હતો.
ગયા વર્ષે અને આ વર્ષે અભિષેક-ટ્રૅવિસ હેડે ઓપનિંગ જોડીને જાણે નવી જ વ્યાખ્યા અને નવી દિશા આપી હતી. એનું પરિણામ એ આવ્યું કે એક સીઝનમાં પાવરપ્લેમાં બનાવેલા સૌથી વધુ રનની બાબતમાં હૈદરાબાદનું નામ ટોચના ત્રણ સ્થાને ચમકી રહ્યું છે.
પાવરપ્લેમાં ક્યારે કોના સૌથી વધુ રન?
(1) 2024માં હૈદરાબાદના 125/0, દિલ્હી સામે
(2) 2024માં હૈદરાબાદના 107/0, લખનઊ સામે
(3) 2017માં કોલકાતા, 105/0, બેંગલૂરુ સામે
(4) 2014માં ચેન્નઈ, 100/2, પંજાબ સામે
(5) 2025માં હૈદરાબાદ, 94/1, રાજસ્થાન સામે